કૂપર, વિલિયમ (જ. 26 નવેમ્બર 1731, ગ્રેટ બર્કમ્પસ્ટડ, હર્ટફર્ડશિયર, ઇંગ્લૅંડ; અ. 25 એપ્રિલ 1800, ઈસ્ટ ડિરમ્ નૉકૉર્ક) : અંગ્રેજ કવિ. તેમના જમાનાના કવિઓમાં સૌથી વિશાળ વાચકવર્ગ ધરાવતા હતા. નજીકની નિવાસી શાળામાં અને લંડનની વેસ્ટમિન્સ્ટર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1750-54 સુધી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી બૅરિસ્ટર થયા. 1857માં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. અભ્યાસકાળ દરમિયાન પોતાની પિતરાઈ થિયડૉરા કૂપરના પ્રેમમાં પડ્યા. બંનેની સગાઈ જાહેર થઈ. કૂપર વારેઆંતરે માનસિક સમતુલા ગુમાવતા હતા. જિંદગીભર ગાંડપણનાં આ ચિહનો ચાલુ રહ્યાં. તેમનું ચિત્ત ધર્મવિષયક શંકાકુશંકા અને બીકથી ભરાઈ ગયું હતું. પોતાના માટે ચિરંતન નરકની સજા નિશ્ચિત છે તેવો ભાવ હંમેશ માટે તેઓ અનુભવતા હતા.

ધર્મની શ્રદ્ધાએ માંદગી પછી તેમને પુન: સ્વાસ્થ્ય મેળવવા માટેની જાણે કે એક પ્રકારની સગવડ કરી આપી. કૂપર હવે પોતાના પરિવાર સાથે બકિંગહામમાં ઑલ્નીના ઘરમાં રહેવા ગયા. જૉન ન્યૂટન નામના પ્રોટેસ્ટન્ટ પાદરીએ તેમને ભૌતિક અને આધ્યાત્મિક શરણું આપ્યું. આમ છતાં કવિનું મન અત્યંત ક્ષુબ્ધ રહેતું હતું. પાદરી ન્યૂટન સાથે ‘ઓલ્ની હિમ્સ’ (1779) પ્રસિદ્ધ કર્યું.

છેક 1780 પછી કૂપર પુન: કાવ્યસર્જન કરવા લાગ્યા. મેરીએ ‘ધ પ્રોગ્રેસ ઑવ્ એરર’ના માટે વસ્તુ-વિષય સૂચવ્યો. આ અરસામાં કૂપરે ‘કૉન્વર્સેશન’ અને ‘રિટાયર્મેન્ટ’ કાવ્યો રચ્યાં જેમાં નિરાશાને બદલે ઉત્સાહનું વાતાવરણ છે. લેડી ઑસ્ટિનની પ્રેરણાથી તેમણે ‘ધ જર્ની ઑવ્ જૉન ગિલ્પિન’ (1783) લખ્યું. આ કથાકાવ્ય લંડનમાં ઘેરઘેર ગવાતું હતું. તેમણે ‘ધ ટાસ્ક’ (1785) માટે પણ પ્રેરણા આપી. આ કાવ્ય છ ભાગમાં લખાયું છે. લેડી ઑસ્ટિને કવિના ખંડમાં પડેલા સોફા ઉપર કાવ્ય રચવાનું કહ્યું હતું. કવિએ છ ભાગને ‘ધ સોફા’, ‘ધ ટાઇમ-પિસ’, ‘ધ ગાર્ડન’, ‘ધ વિન્ટર ઇવનિંગ’, ‘ધ વિન્ટર મૉર્નિગ વૉક’ અને ‘ધ વિન્ટર વૉક ઍટ નૂન’ કહેલાં. આ કાવ્યમાં ‘ગૉડ મેડ ધ કન્ટ્રી, ઍન્ડ મેન મેડ ધ ટાઉન’ની અભિવ્યક્તિમાં કવિની શાંતિ માટેની ખોજ છે. પ્રભુના ધર્મ અને પ્રકૃતિના આ કાવ્યની પ્રબળ અસર વર્ડ્ઝવર્થના ‘પ્રીલ્યૂડ’ કાવ્ય પર જણાય છે. કૂપર ત્યારપછી વૅસ્ટનમાં રહેવા ગયા અને ત્યાં હોમરનાં મહાકાવ્યોના અનુવાદનું કાર્ય શરૂ કર્યું. માનસિક બીમારીના હુમલા અવારનવાર ચાલુ જ હતા. પાછળથી કવિ ઈસ્ટ ડિરમમાં સ્થિર થયા. ‘ધ કાસ્ટાવે’ (1803) ઍન્સનના ‘વૉયેજ રાઉન્ડ ધ વર્લ્ડ’ની સાહસકથા પરથી રચાયું છે. પોતાના કરુણ મૃત્યુની રાહ જોતા એક ખલાસીની યાતનાનું એમાં વર્ણન છે. પ્રોટેસ્ટન્ટ-પંથીઓ માટે ‘ગૉડ મૂવ્ઝ ઇન અ મિસ્ટીરિયસ વે’ અને ‘ઓહ ! ફૉર અ ક્લોઝર વૉક વિથ ગૉડ’ જીભે વસી ગયેલાં પ્રાર્થના-ગીતો છે.

રોબર્ટ સધીએ 15 ગ્રંથોમાં (1835-37) કૂપરના સમગ્ર સર્જનનું સંપાદન કર્યું છે. જેમ્સ કિંગ અને ચાર્લ્સ રીસ્કૅમ્પે ‘ધ લેટર્સ ઍન્ડ પ્રોઝ રાઇટિંગ્ઝ’ (1979-82) ત્રણ ભાગમાં પ્રસિદ્ધ કર્યા છે. ડેવિડ સેસિલે ‘ધ સ્ટ્રિકન ડિયર’ (1929) નામનું જીવનચરિત્ર લખ્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી