કુતૂહલ (curiosity) : પ્રાણીઓ અને માનવીઓમાં વસ્તુઓ ક્યાં છે, તે શું કાર્ય કરે છે અને કેવી રીતે કરે છે તે માટેની જિજ્ઞાસા અને તેનું અન્વેષણ, તપાસ કરવાની મૂળભૂત જરૂરત, જન્મજાત વૃત્તિ. નવીન ઉદ્દીપકોમાં રસ પડવો, આકર્ષણ થવું તે જિજ્ઞાસા. પ્રાણીઓ, બાળકો, પુખ્ત વ્યક્તિઓ દરેકની સમક્ષ નવીન પદાર્થ, નવીન પરિસ્થિતિ ઉપસ્થિત થાય અથવા કશાકમાં નવીનતા લાગે તો તે જાણવા, જોવા, તપાસવા કુતૂહલ થાય છે અને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અજંપો, ઉશ્કેરાટ અનુભવાય છે. ઉંદર, વાનર, કૂતરાંઓ વગેરે પ્રાણીઓ ઉપરના પ્રયોગો અને નિરીક્ષણો બતાવે છે કે નવીન ઉદ્દીપકોના સંપર્કમાં આવતાં તેઓ તેની તપાસ, તેનું અન્વેષણ શરૂ કરી દે છે. ઉંદરમાં લીવર દબાવવાનું, બિલાડીમાં દડાને ફેંકવાનું, કૂતરામાં દોડાદોડી કરવાનું, વાનરમાં ચીજોની તોડફોડ કરવાનું, વારંવાર બારી ઉઘાડબંધ કરવાનું વગેરે વર્તનભાતો કુતૂહલનું જ પરિણામ છે. બાળકોમાં કુતૂહલ, જિજ્ઞાસાનું પ્રમાણ સવિશેષ હોય છે. તેને માટે તો આ જગત અનેક આશ્ચર્યોથી ભરેલું હોય છે. તે પોતાના સંપર્કમાં આવતી ચીજવસ્તુઓને પકડે છે, ઉલટાવી-સુલટાવીને તપાસે છે, મોંમાં મૂકે છે, પછાડે છે, તોડે છે, ફોડે છે – તે તેને જાણવા માટે જ. વાણીવિકાસ થતાં ‘આ શું છે ?’, ‘તે શું છે ?’, ‘આમ શાથી’ – એવા પ્રશ્નો તે સતત પૂછે છે. કોઈ પણ જાતનો બદલો ન મળે તો પણ કેવળ કુતૂહલવશ પ્રાણીઓ અને માનવીઓ કલાકો સુધી અમુક પ્રવૃત્તિઓ કર્યા જ કરે છે. પુખ્ત વયની વ્યક્તિઓ જાતજાતનાં પુસ્તકો વાંચે છે, નવા વિચારો વિશે ચર્ચા કરે છે, પ્રવાસ-પર્યટને જાય છે, સાગર ખૂંદે છે, અવકાશમાં જાય છે, વૈજ્ઞાનિક શોધખોળો કરે છે, અરે જાત ઉપર પણ પ્રયોગો કરે છે – એ બધાંની પાછળ કંઈક ને કંઈક જાણવાની ઇચ્છા, નવું જ્ઞાન મેળવવાની ઝંખના, કુતૂહલ જ પ્રેરક બળ હોય છે. હિલગાર્ડ (1984) કહે છે કે કોઈ પણ રીતે આવું શોધ અને તપાસનું વર્તન તાલીમ કે શિક્ષણનું પરિણામ હોય એવું જણાતું નથી. વળી તે શરીરતંત્રની જરૂરતથી જુદું એવું સ્વતંત્ર પ્રેરણ છે.

બર્લિન (1960) એમ માને છે કે પ્રાણી કે માનવી – દરેક સજીવને અમુક પ્રકારની સાંવેદનિક ઉત્તેજનાની જરૂરત મહેસૂસ થતી હોય છે. સાંવેદનિક ઉત્તેજના કે પ્રવૃત્તિ વગર તદ્દન નિષ્ક્રિય રહેવાનું હોય તો લાંબા સમય માટે તેમ રહી શકાતું નથી. સાંવેદનિક ઉત્તેજનાવિહીન વાતાવરણમાં પ્રાણીઓ, બાળકો તેમજ પુખ્ત વ્યક્તિઓ કંટાળી જાય છે. અસ્વસ્થ, ચીડિયા, અસ્થિર-બેચેન બની જાય છે. માણસ તેને થતી સંવેદનાઓમાં પરિવર્તન ઝંખે છે અને તેની ગેરહાજરીમાં નકારાત્મક વર્તન પણ કરે છે. જરૂરત કરતાં વધારે પ્રમાણમાં સાંવેદનિક ઉત્તેજના વર્તાતી હોય તો ચેતાતંત્ર તેને ટાળે છે અથવા તેનાથી વિમુખ થાય છે; પરંતુ જો તેના પર્યાવરણમાં સુસ્તી, સાંવેદનિક ઉત્તેજના ઓછી હોય તો તે નવીન બાબતોની શોધખોળ, ખાંખાખોળા કરવા પ્રવૃત્ત થાય છે. આમ કુતૂહલના પ્રેરક બળ સાથે સાંવેદનિક ઉત્તેજનાનું તત્ત્વ ગાઢ રીતે સંકળાયેલું હોય છે.

કેટલાક માણસોને નવાં સંવેદનો, નવાં સાહસો અને નવા અનુભવોની સાંવેદનિક ઉત્તેજનાની સતત ઝંખના હોય છે અને તેથી તેઓ જોખમો ખેડવા પણ તૈયાર થઈ જાય છે. જે વ્યક્તિઓને એક ક્ષેત્રમાં રોમાંચ ગમે છે તે અન્ય ક્ષેત્રોમાં પણ રોમાંચ શોધે છે. કેટલાક માણસોને પર્વતારોહણ, સાઇકલ-પ્રવાસ, નદી-પ્રવાસ, કાર-રેલી જેવી સાહસિક પ્રવૃત્તિઓ ગમે છે. રોમાંચ અને કુતૂહલની શોધમાં માણસો જાતીય સંબંધોમાં, કેફી દ્રવ્યોના સેવનમાં સાહસો કરી બેસે છે. કુતૂહલની સાથે સાંવેદનિક ઉત્તેજના, રોમાંચ માટેની ઝંખના એક સર્વસામાન્ય લક્ષણ છે.

નટવરલાલ શાહ

ભાનુપ્રસાદ અ. પરીખ