કૂક, થૉમસ : (જ. 22 નવેમ્બર 1808, ડર્બિશાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 જુલાઈ 1892, લેસેસ્ટર, લેસ્ટેસ્ટરશાયર) : પ્રખ્યાત બ્રિટિશ પ્રવાસયોજક કંપનીનો સ્થાપક. દસ વર્ષની વયે શાળા છોડી. 1828 સુધી વિવિધ પ્રકારની નોકરી કરી. 1828માં તે બૅપ્ટિસ્ટ મિશનનો પાદરી બન્યો.
1841માં તેણે મિડલૅન્ડ કાઉન્ટી રેલવેના લિસ્ટરથી લોધબરો સુધીની ટ્રેન દ્વારા દારૂબંધીની સભા માટેના પ્રવાસનું આયોજન કર્યું. ત્રણ વર્ષની આ કામગીરી પછી રેલવેએ આવી કામગીરી કાયમી ધોરણે સોંપી. બીજે વર્ષે સમગ્ર યુરોપનું ભવ્ય પર્યટન યોજ્યું. 1851માં તેણે લંડન ખાતે ભરાયેલા મહાપ્રદર્શનમાં જવા આશરે 1,65,000 લોકોને સફર કરવાની વ્યવસ્થા ગોઠવી આપી. 1855માં પૅરિસના પર્યટન વખતે લિસ્ટર – કૅલે વચ્ચેના પ્રવાસની કામગીરી સંભાળી. 1860માં પ્રવાસ-પર્યટનો બંધ કરી ઇંગ્લૅન્ડ અને પરદેશો માટેની ટિકિટોનું વેચાણકાર્ય હાથ ધર્યું. 1880માં ઇંગ્લૅન્ડ અને ઇજિપ્ત વચ્ચેની લશ્કરી હેરફેર અને ટપાલનું કામ સંભાળ્યું. તેના ભાગીદાર તરીકે તેનો પુત્ર જ્હૉન મેસન કૂક 1864થી પ્રવાસ એજન્સીનું કામ સંભાળતો હતો. 1884માં તેની પ્રવાસપેઢીએ સુદાન સુધીના પ્રવાસનું કામ સંભાળેલું. 1892માં તેના મૃત્યુ પછી તેના પુત્રે બધો વહીવટ સંભાળ્યો. 1942માં રેલવેના રાષ્ટ્રીયકરણ સાથે આ કંપનીનું પણ રાષ્ટ્રીયકરણ થયું.
શિવપ્રસાદ રાજગોર