કૂકરી : ગુરખા સૈનિકોનું ખાસ પ્રકારનું શસ્ત્ર. તેનું પાનું વળાંકવાળું અને એક તરફ તીક્ષ્ણ ધારવાળું હોય છે. બધી જ કૂકરી કદ તથા વજનમાં એકસરખી હોતી નથી, પરંતુ ગુરખા સૈનિકો શસ્ત્ર તરીકે જે ધારણ કરે છે તેની લંબાઈ આશરે 35.5 સેમી. જેટલી હોય છે. તેનો ઉદગમ પ્રાગૈતિહાસિક કાળમાં હિમાલયના પહાડી પ્રદેશમાં થયો છે. નાના કદની કૂકરી નેપાળમાં છરી તરીકે પણ વપરાય છે.
બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતીય લશ્કરમાં દાખલ થતા ગુરખા સૈનિકોને ખાસ શસ્ત્ર તરીકે કૂકરી ધારણ કરવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો હતો અને તે પરંપરા આઝાદી પછી પણ ચાલુ રાખવામાં આવી છે. હાથોહાથની લડાઈમાં ગુરખા સૈનિકોએ બેયોનેટની જેમ કૂકરીનો ઉપયોગ કરીને શત્રુપક્ષના સૈનિકોની મોટી ખુવારી કર્યાના ઘણા દાખલા ઇતિહાસમાં નોંધાયા છે.
સામાન્ય રીતે પૂર્વ તથા દક્ષિણ એશિયામાં જોવા મળતા કોલુબ્રિડ કુળના સાપના પાછલા દાંત કૂકરીના આકારના હોવાથી તે ‘કૂકરી સાપ’ નામથી ઓળખાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે