કુહાડી : કાપવા, ચીરવા, ફાડવા, છેદવા અથવા છોડિયાં ઉતારવા માટે વપરાતું ઓજાર. આ ઓજાર ચલાવવા હાથની શક્તિનો ઉપયોગ થતો હોવાથી તેની ગણતરી હાથ-ઓજારવર્ગમાં થાય છે.

વિવિધ પ્રકારની કુહાડીઓ

માનવની સાથે પથ્થરયુગથી નાતો ધરાવતાં થોડાંક જ ઓજારોમાંનું એક ઓજાર કુહાડી છે. પથ્થરયુગમાં પથ્થરમાંથી બનેલ સાદા ઓજાર તરીકે ઉદભવેલ હાથ-કુહાડી લગભગ 32,000 વર્ષ પૂર્વે લાકડાના હાથા ધરાવતું ઓજાર બની ગયું. ઇજિપ્તમાં લગભગ 6,000 વર્ષ પહેલાં ત્રાંબાનું પાનું ધરાવતી કુહાડી અસ્તિત્વમાં આવી. ત્યારબાદ કાંસાના અને છેવટે લોખંડના પાના સાથેની કુહાડી પ્રચલિત થઈ. તેમાંથી વિકસિત થયેલો લોખંડના પાનાવાળી ઝાડ પાડવાની કુહાડીની મદદથી જ મધ્યયુગમાં વાયવ્ય યુરોપમાંનાં વિશાળ જંગલોને સાફ કરવાનું શક્ય બન્યું અને આ સાફ થયેલ જમીન ઉપર મધ્યયુગીય ખેતીનો વિકાસ થયો. તે જ રીતે કુહાડીએ નૉર્વે, સ્વિડન, પૂર્વ યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને એશિયામાં પણ જંગલો સાફ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. ઉપરાંત પરશુરામની ફરસીનો નિર્દેશ થઈ શકે.

લાકડાના હાથામાં પાનું અલગ અલગ રીતે જડવામાં આવે છે. કુહાડીને ત્રીજા પ્રકારના ઉચ્ચાલનમાં ગણી શકાય; જેમાં એક છેડે આધાર, બીજા છેડે કાર્યબળ અને વચ્ચે પ્રયાસબળ હોય છે. કુહાડીને હાથાના એક છેડે એક હાથથી પકડવામાં આવે છે, તે આધાર બને છે. હાથાના બીજે છેડે જ્યાં પાનું હોય છે તેનાથી કાર્ય થાય છે અથવા ત્યાં કાર્યબળ લાગુ પડે છે. જ્યારે હાથાની ઉપર વચ્ચે બીજા હાથથી કાર્ય કરવા માટે બળ અપાય છે તે પ્રયાસબળ થાય છે.

આધુનિક જમાનામાં ગજવેલ લોખંડ(steel)માંથી બનાવેલ પાનાવાળી અથવા તો ધારવાળી કુહાડી ખૂબ જ કાર્યક્ષમ હોવા છતાં, યાંત્રિક કરવત તથા બીજાં યંત્રોના ઉદભવને કારણે, તેનું ઘણુંખરું ઐતિહાસિક મહત્વ ગુમાવતી જાય છે. પરંતુ ભારતમાં તેની અલગ અલગ ઉપયોગિતાને કારણે કુહાડી હજુ પણ ઘણા બધા ઉપયોગમાં લેવાતા ઓજાર તરીકે વપરાય છે.

હરેશ જયંતીલાલ જાની