કુળકથાઓ (1967) : ગુજરાતી સ્મૃતિચિત્રો. બસો વર્ષ સુધી મુંબઈમાં વસીને તેની આબાદીમાં મહત્વનો હિસ્સો પુરાવનાર ભાટિયા કોમના અગ્રણીઓની મજેદાર ચરિત્રાવલિ. લેખક – સ્વામી આનંદ. લેખકના વ્યક્તિત્વના સંસ્કાર પામીને જૂનાં ઘરાણાંની હકીકતો શબ્દબદ્ધ થાય છે તે એની વિશેષતા. પોતાની ‘સાંભરણ, સાંભળણ અને સંઘરણ’નો ખજાનો ખોલીને સ્વામીજીએ અનેક નવીન કિસ્સાઓ અને હકીકતો તેમજ ઝીણી ઝીણી વિગતો અને ટુચકાઓ નાનીમોટી ચરિત્રરેખાઓ પર જડી દીધેલ છે, જે રત્નકણિકાની જેમ ઝગ્યા કરે છે.

લેખકે અહીં મુખ્યત્વે મોરારજી, ખટાઉ, ઠાકરસી અને વસનજી ઘરાણાંની વિવિધ વ્યક્તિઓનાં ચરિત્ર ઉપસાવ્યાં છે. ગૌણ ચરિત્રોમાં બે આનાની રોજીમાંથી આપમેળે લાખોપતિ બનનાર મૂળ પુરુષ જીવરાજ બાલુ, જૂની મુંબઈના સૌથી મોટા દાનવીર ગોકળદાસ તેજપાળ, બાહોશ સુધારક મથુરાદાસ લવજી અને તે સમયનાં રાજાપ્રજા ઉભયના નીડર સલાહકાર ને સેવક લખમીદાસ ખીમજીનાં ચરિત્ર મર્મસ્પર્શી અને સચોટ છે.

પુસ્તકનું મુખ્ય આકર્ષણ મોરારજી ઘરાણાનું ચિત્ર છે. એ ઘરાણા સાથે તેમને ઘરોબો હતો એટલે મોરારજી કુટુંબની વ્યક્તિઓનાં ચિત્રો તે હૃદયના રંગમાં બોળેલી નાજુક પીંછીએ દોરી શક્યા છે. ઉદારચરિત મોરારજી શેઠની જીવનચર્યાની ઝાંખી અને પ્રજાહિતનાં તેમણે કરેલાં કામની મુલવણી તટસ્થ છતાં આર્દ્ર કલમે કરીને લેખકે ગઈ સદીના એ મહાન ગુજરાતીને ભવ્ય અંજલિ અર્પી છે. ધરમશી અને નરોત્તમ શેઠની કરાવેલી પિછાન અત્યંત રસપૂર્ણ છે, પરંતુ સ્વામીજીની કલમનો શ્રેષ્ઠ ઉન્મેષ તો ધનીમાના ચરિત્રચિત્રણમાં દેખાય છે. તોતેર વર્ષ લગી વૈધવ્ય પાળીને ચોરાણું વર્ષની ઉંમરે ગુજરી જનાર ધનીમાએ મોરારજી ઘરાણાની પાંચછ પેઢી જોઈ હતી. જાહોજલાલી વચ્ચે પતિની રાજવટ, વેપારી આંટશાખ ને કુળનાં માન-આબરૂને ચીવટપૂર્વક જાળવી, બાળકોને કડક શિસ્ત તથા ધર્મપાલનના ર્દઢ સંસ્કાર આપવા સાથે રાજામહારાજા તથા દેશના અગ્રણીઓની હરોળમાં બેસે તે રીતે કેળવી, પોતે સાત્વક તપોમય જીવન ગાળનાર આ જાજરમાન સન્નારીનું ચરિત્ર સૌથી નિરાળું તરી આવે છે. જાહોજલાલીની સાથે અલ્પાયુષ અને અકાળ મૃત્યુજનિત કરુણતાનો રંગ મોરારજી ઘરાણાની કથાને અનિવાર્ય ટ્રૅજેડી તરીકે ઉપસાવે છે.

મોરારજી શેઠના દેવતાઈ અશ્વ મોરુનું સ્મૃતિચિત્ર પણ હૃદયસ્પર્શી છે. પોતાના બાળપણનું સંવેદન એની સાથે જોડીને લેખકે એને લગભગ આત્મલક્ષી ઊર્મિકાવ્યની સંપૂર્ણતા બક્ષી છે.

સ્મરણ અને અવલોકનની ઝીણવટ અનેક રસપ્રદ ઘટનાઓને સહજ રીતે ખેંચી લાવે છે. દા.ત., નરોત્તમ શેઠનો વિનોદી સ્વભાવ દર્શાવતા પ્રસંગો, ગોકીફૂઈની વિચિત્ર ખાસિયતો, રતનશી શેઠની લાલાઈ, કાર્ટૂનિસ્ટ શંકરને નરોત્તમ શેઠે ટાઇપિસ્ટ ક્લાર્ક તરીકે પ્રથમ પહેલી નોકરી આપેલી તેમજ ડૉ. જીવરાજ મહેતા મરહૂમ રતન તાતાનાં પત્ની સાથે વિલાયત જતાં રસ્તામાં જિબ્રાલ્ટર આગળ સ્ટમીર ટોરપીડો થતાં મહામુસીબતે બચેલા તે.

સ્મૃતિના જેટલો જ સ્વામીજીની શૈલીનો ચમત્કાર અહીં જોવા મળે છે. તેમની પાસે વિપુલ તળપદો શબ્દભંડાર છે. તેમની કથનરીતિ અત્યંત અનૌપચારિક ને તળપદા વળોટવાળી છે. ઘરોબાવાળી ગ્રામભાષાની ઉષ્માનું બળ તેમના વક્તવ્યને સચોટ ને જીવંત બનાવે છે. બ.ક.ઠા.ની માફક સ્વામી આનંદને પણ વિગતો અને પર્યાયોનો ઠઠેરો કરવાની ટેવ છે. રૂઢ પ્રયોગોનો અતિરેક લખાણને સર્વભોગ્ય થતું અટકાવે છે. તેમ છતાં ચડતીપડતીના અનેક રંગ જોનાર એક તેજસ્વી યુગની રોમાંચકારી ઝલક ઝીલવા ઉપરાંત આ કુળકથાઓમાં ગુજરાતી ગદ્યનું નવું જ તાજગીભર્યું તળપદું ગજું પ્રગટ થઈ આવ્યું છે.

ધીરુભાઈ ઠાકર