કુલસુમ, અમર બિન (આશરે છઠ્ઠી સદી) : ઇસ્લામ પૂર્વેનો અરબી ભાષાનો પ્રથમ પંક્તિનો કવિ. તે તઘલિબ કબીલાનો અને પ્રખ્યાત કવિ મુહલહિલની પુત્રી લયલાનો દીકરો હતો. તે પોતાના સમયનો નાઇટ (knight) ખિતાબધારી હતો.
અમર બિન કુલસુમને પોતાના વંશનો ઘણો ગર્વ હતો. તેણે પોતાના ‘મુઅલ્લકા’ પ્રકારના અરબી કાવ્યમાં તઘલિબ કબીલાના ગૌરવની વાત કરી છે. તે હીરાના શાસક અમર બિન હિન્દ(554-568)ના આમંત્રણથી હીરા પણ ગયો હતો. લખમી વંશના-હીરાના શાસક અમર બિન હિન્દ અને તેની મા (‘હિન્દ’) એ એક દિવસ અમર બિન કુલસુમની મા લયલાને પોતાના મહેલમાં બોલાવી તેનું અપમાન કરવાની કોશિશ કરતાં, તઘલિબ કબીલાના આ સરદાર કવિએ હીરાના શાસક અમર બિન હિન્દનું તલવારના એક જ ઝાટકે કાસળ કાઢી નાખ્યું હતું.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી