કુલકર્ણી કૃષ્ણ શ્યામરાવ

January, 2008

કુલકર્ણી, કૃષ્ણ શ્યામરાવ (જ. 7 એપ્રિલ, 1916 બેલગામ, કર્ણાટક; અ. 7 ઑક્ટોબર 1994) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેઓ 1935માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1940માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1945માં તેમણે દિલ્હી ખાતેની દિલ્હી પૉલિટેકનિક કૉલેજમાં કલાના અધ્યાપક તરીકે કામ શરૂ કર્યું. એ જ વર્ષે તેમણે દિલ્હીમાં મૌલિક ચિત્રોનું તેમનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન યોજ્યું. 1947માં દિલ્હીના યુવા ચિત્રકારો અને યુવા શિલ્પીઓના સંગઠન ‘દિલ્હી શિલ્પી ચક્ર’ની સ્થાપના તેમણે કરી; પણ બીજે જ વર્ષે તેમણે તેનું નામ ફેરવીને નવું નામ ‘ત્રિવેણી કલાસંગમ’ રાખ્યું. આ સંગઠનના નેતા તરીકે તેમણે દિલ્હીના યુવા કલાકારોને પીઠબળ, હિંમત તથા દિગ્દર્શન પૂરાં પાડ્યાં.

કૃષ્ણ શ્યામરાવ કુલકર્ણી

1949માં કુલકર્ણી છ મહિના માટે અમેરિકા ગયા. 1957માં એ ફરીથી અમેરિકા ગયા અને ત્યારે તેમણે મૅક્સિકો, ગ્વાટેમાલા, પેરુ અને બ્રાઝિલની મુલાકાત પણ લીધી. મૅક્સિકોમાં એ પ્રસિદ્ધ ભીંતચિત્રકાર સિક્વિરોસના અંગત મહેમાન બનેલા. લૅટિન અમેરિકાના આ દેશોની આઝતેક, ઇન્કા અને માયા સંસ્કૃતિઓની મધ્યયુગીન અને પ્રાચીન કલાથી તેઓ પ્રભાવિત થયા. 1964-65માં તેમણે અમેરિકા, સોવિયેત સંઘ અને પૂર્વ જર્મનીનો પ્રવાસ ખેડ્યો.

1973થી 1978 સુધી કુલકર્ણી દિલ્હીની કેન્દ્રીય લલિતકલા અકાદમીના વાઇસ ચૅરમૅનપદે રહ્યા. 1982માં તેઓ એ જ અકાદમીના ફેલો ચૂંટાયા હતા. 1972થી 1978 સુધી કુલકર્ણીએ વારાણસી ખાતેની બનારસ હિંદુ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ મ્યુઝિક ઍન્ડ ફાઇન આર્ટ્સના ડીન-પદે સેવા આપી તથા એ જ વર્ષો દરમિયાન ઉત્તર પ્રદેશ લલિતકલા અકાદમીના ચૅરમૅનપદે પણ તેમણે કામ કર્યું. 1969થી 1972 સુધી તેમણે ન્યૂયૉર્ક નગરની સ્કિડ્મોરે કૉલેજના ચિત્રકલા-વિભાગમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી. 1974માં તેમણે પોલૅન્ડ, પશ્ચિમ જર્મની, નેધરલૅન્ડ્ઝ અને બ્રિટનની મુલાકાત લીધી. 1966-67માં તેમણે દિલ્હી ખાતે બે વિશાળકાય મોઝેઇક ચિત્રો ભીંત પર બનાવ્યાં. તેમાંનું એક ચિત્ર ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયાના મકાન પર તથા બીજું ભારત સરકારના નિર્માણ ભવન પર છે. 1980થી 1982 સુધી તેમણે દિલ્હી ખાતેની દિલ્હી કૉલેજ ઑવ્ આર્ટમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓને અનુલક્ષીને કલા-અધ્યાપન કર્યું.

લૅટિન અમેરિકાની પ્રાચીન સંસ્કૃતિઓની કલા ઉપરાંત આધુનિક ચિત્રકારો પાબ્લો પિકાસો, ખજૂરાહોના મધ્યયુગીન કામોત્તેજક શિલ્પો, દક્ષિણ ભારતનાં ચોળ કાંસ્ય શિલ્પો, અને આફ્રિકાની હબસી પ્રજાઓનાં શિલ્પોના સામૂહિક પ્રભાવે કુલકર્ણીના સૌંદર્ય અંગેની પરિભાષા ઘડવાના કાર્યમાં ભાગ ભજવ્યો છે. તેમણે અસંખ્ય ચિત્રો ચીતરવા ઉપરાંત શિલ્પો પણ કંડાર્યાં છે. 1955માં, 1962માં અને 1965માં  એમ ત્રણ વાર દિલ્હી ખાતેની કેન્દ્રીય લલિત કલા અકાદમીએ રાષ્ટ્રીય પુરસ્કાર વડે તેમનું બહુમાન કર્યું છે. ‘હ્યુમન ફૉર્મ ઇન ઇન્ડિયન આર્ટ’ શીર્ષક હેઠળ તેમણે એક પુસ્તક પણ લખ્યું છે.

1947માં લંડનમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં બ્રોન્ઝ મેડલ, 1985માં કલાક્ષેત્રે ઉત્તમ પ્રદાન બદલ ભારત સરકારે નેશનલ પ્રોફેસર એમેરિટ્સ બનાવ્યા અને 1986માં સાહિત્ય કલા પરિષદ નવી દિલ્હીએ પરિષદ સન્માનથી નવાજ્યા હતાં.

અમિતાભ મડિયા