કુર્દ, મૌલાના સુલેમાન (અ. ઈસવી. સત્તરમી સદી ઉત્તરાર્ધ, અમદાવાદ) : અરબી અને ફારસીના સમર્થ વિદ્વાન પિતાનું નામ મુહંમદ. મૂળ કુર્દસ્તાનના વતની અને બહુધા જન્મસ્થાન પણ તે જ. વતનથી લાહોર આવ્યા અને ત્યાં પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી દિલ્હી આવીને પ્રખ્યાત મુહદ્દિસ વિદ્વાન લેખક અને સંત શેખ અબ્દુલહક્ મુહદ્દિસ દહેલ્વી પાસે હદીસ તથા બીજા વિષયોમાં શિક્ષણ મેળવ્યું તેમજ આધ્યાત્મિક બાબતોમાં પણ તેમના માર્ગદર્શન હેઠળ પ્રગતિ કરી ખલીફાપદ મેળવ્યું. દિલ્હીથી તે અમદાવાદ આવ્યા અને અહીં ઘરબાર વસાવ્યું. તેઓ શાહીબાગ રેલવે ક્રૉસિંગ પાસે આવેલી હજરત મુસા સોહાગની રોજાની મસ્જિદના પશ્ચિમના ભાગમાં દફન પામ્યા.
તેમણે અરબી અને ફારસી ભાષામાં નાનાંમોટાં મળીને વીસથી વધારે પુસ્તકો લખ્યાં છે. અરબી-ફારસી સાહિત્ય, છંદ-કાવ્ય, કિઍત (કુરાનનું શાસ્ત્રીય રીતે પઠન), હાફેઝ અને સાદીના ફારસી કાવ્યનાં ભાષ્ય એમ વિવિધ વિષય અને પ્રકારનું લેખન કર્યું છે. તે પૈકી એક અરબી પુસ્તક તેમજ ‘કિઍતનારિસાલા’નાં થોડાં પૃષ્ઠ તથા એક ફારસી મસનવી કાવ્ય અને એક છંદશાસ્ત્ર ઇત્યાદિ પરનું પુસ્તક ઉપલબ્ધ છે. મૌલાના સુલેમાનના વંશમાં પણ મહાન વિદ્વાનો થઈ ગયા. જેમાં તેમના પુત્ર અહમદ ઘણા પ્રખ્યાત હતા.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ