કુર્દ અહમદ બિન સુલેમાન (મૌલાના)

January, 2008

કુર્દ, અહમદ બિન સુલેમાન (મૌલાના) (જ. ?; અ. 13 ડિસેમ્બર 1698, અમદાવાદ) : ઇસ્લામ ધર્મશાસ્ત્રના ફારસી વિદ્વાન. મૌલાના સુલેમાન કુર્દના પુત્ર અને સત્તરમા શતકના પૂર્વાર્ધના એક વિદ્વાન અને શિક્ષક. પિતા પાસેથી હદીસ અને મૌલાના મુહંમદ શરીફ, મૌલાના વલીમોહંમદ તથા શેખફરીદ જેવા વિદ્વાનો પાસેથી પારંપારિક ધાર્મિક શાસ્ત્રોમાં શિક્ષણ પ્રાપ્ત કરી પારંગત થયા અને તેમણે પોતે સ્થાપેલા મદરેસામાં આજીવન શિક્ષણ આપ્યું. ધર્મશાસ્ત્રો તથા બીજાં પ્રચલિત શાસ્ત્રોના સમર્થ વિદ્વાન અને શિક્ષક તરીકે તેમની નામના ગુજરાત બહાર પણ ફેલાઈ. તેમના સંખ્યાબંધ શિષ્યોમાં અમદાવાદના જ મૌલાના નૂરૂદ્દીન સિદ્દીકી જેવા પ્રતિષ્ઠિત વિદ્વાન અને શિક્ષક હતા.

તેમણે તે સમયના પ્રચલિત તર્કશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર વગેરે પાઠ્યપુસ્તકો પર ભાષ્ય તેમજ ટિપ્પણીઓ લખેલ છે. તેમના એક ઇલ્મેકલામ વિષય પર લખાયેલા પુસ્તક ‘ફૈઝુલકુદ્રસ’ની મિરાતે એહમદીના લેખકે ઘણી પ્રશંસા કરી છે. તેની પ્રત અમદાવાદના ચિશ્તી ખાનદાનના સજ્જાદા સાહેબના પુસ્તકાલયમાં છે. મૌલાના અહમદનું પોતાનું સમૃદ્ધ પુસ્તકાલય પણ હતું, જેમાંનાં અમુક પુસ્તકોની હસ્તપ્રતો અમદાવાદના દરગાહ હઝરત પીર મુહંમદશાહના પુસ્તકાલયમાં સંગ્રહાયેલી છે. મૌલાના અહમદ તેમના પિતાની કબર પાસે હજરત મુસા સોહાગની શાહીબાગ રેલવે ક્રૉસિંગ પાસે આવેલી મસ્જિદના પાછળના ભાગમાં દફન પામ્યા.

મૌલાના અહમદના પૌત્ર મૌલાના ગુલામરિઝાબિન ગુલામમોહંમદ પણ સમર્થ વિદ્વાન હોવાનું જણાય છે. તેમના પુસ્તકાલયની તેમની હાંસિયા-નોંધવાળાં પુસ્તકોની તથા તેમનાં બહેન ફાતિમાનાં પુસ્તકોની હસ્તલિખિત પ્રતો દરગાહ પીર મોહંમદશાહ પુસ્તકાલયમાં પ્રાપ્ય છે.

ઝિયાઉદ્દીન  અ. દેસાઈ