કુર્દ : કુર્દિસ્તાન તરીકે ઓળખાતા, નૈર્ઋત્ય એશિયાના પૂર્વ તુર્કી, પશ્ચિમ ઈરાન અને ઉત્તર ઇરાકના ટૉરસ અને સૅગ્રોસ પર્વતોમાં વસતી જાતિના લોકો. ઐતિહાસિક દૃષ્ટિએ કુર્દિસ્તાન નામ ‘કુર્દ લોકોની ભૂમિ’ અર્થવાળા ઈરાની શબ્દમાંથી ઊતરી આવેલું છે. આ લોકોનું મૂળ વતન ઇરાક, સીરિયા, તુર્કી અને રશિયા હતું. આજે તેઓ મોટેભાગે ગ્રામીણ વસાહતોમાં રહે છે. તેઓ ખેતી અને પશુપાલન કરે છે. અહીંની મુખ્ય કૃષિપેદાશોમાં કપાસ, તમાકુ અને સુગરબીટનો સમાવેશ થાય છે. જોકે કેટલાક કુર્દ લોકો શહેરોમાં પણ વસે છે. મુખ્ય કુર્દ શહેરોમાં મહાબાદ, સનંદાજ અને કર્માન્શાહ (ઈરાન); ઇર્બિલ, કિર્કુક અને અસ સુલાયમનિયાહ (ઇરાક) તથા દિયાર બુકીર અને વાન(તુર્કી)નો સમાવેશ થાય છે.
આ પ્રજા ક્યારેય પોતાનું વહીવટી તંત્ર સ્થાપી શકી નથી, પરંતુ એની પોતાની ઇચ્છા તો સાંસ્કૃતિક અને રાજકીય સ્વતંત્રતા મેળવવાની રહેલી. જેને માટે તેણે પ્રથમ વિશ્વયુદ્ધ તેમજ 1970 અને 1980ના દાયકાઓમાં, વિશેષે કરીને 1988માં ઇરાક સાથેના સંઘર્ષમાં ઘણા કુર્દ લોકોની હત્યા થયેલી. 1991ના માર્ચમાં ઇરાક સામે કુર્દ લોકોએ બળવો કરેલો, ઇરાકે આ બળવાને દાબી દીધેલો; તે જ સમયગાળા દરમિયાન ઇરાકમાં થયેલા અમેરિકી-ઇરાકી યુદ્ધમાં ઇરાકી લોકો સહિત કુર્દ લોકોની પણ પાશવી કત્લેઆમ થયેલી, ઇરાકની હાર થઈ. જે લોકો તેમાં બચી ગયેલા, તેઓ અહીં આવીને વસ્યા છે. તેઓ ઇન્ડો-ઈરાનિયન ભાષા બોલે છે. તેઓ સુન્ની મુસ્લિમો છે. વસ્તી : અંદાજે 65,56,752 (2023).
ગિરીશભાઈ પંડ્યા