કુર્તબા (શહેર) : આજના સ્પેન ઉપર મધ્યયુગમાં ઉમૈય્યા વંશના અરબોનું શાસન હતું ત્યારનું તેનું પાટનગર. ઉમૈય્યા વંશના ખલીફા અબ્દુર્-રહેમાન ત્રીજાએ 936માં તેનું બાંધકામ શરૂ કર્યું હતું. આ ખલીફા અલ-નાસિરના નામે પણ ઓળખાય છે. ખલીફાએ પોતાની એક કનીઝના નામ ઉપરથી સૌપ્રથમ એક ભવ્ય મહેલ અલ-ઝહરા બંધાવ્યો હતો. આ મહેલમાં ચારસો ખંડો હતા, જેમાં હજારોની સંખ્યામાં ગુલામો તથા અંગરક્ષકો નિવાસ કરતા હતા. આ મહેલના બાંધકામ માટે ન્યુમીડીયા અને કાર્થેજમાંથી આરસ મંગાવવામાં આવેલો. સોનાથી મઢેલી શિલ્પઆકૃતિઓ કૉન્સ્ટેન્ટિનોપલથી લાવવામાં આવી હતી. આ મહેલ માટે 10,000 કારીગરોએ વર્ષો સુધી કામ કર્યું હતું. અલ-નાસિરના બે અનુગામી શાસકોએ તેમાં ઉમેરો કર્યો હતો. 1910માં ખોદકામ કરીને તેના અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે.
ઉમૈય્યા વંશના શાસન દરમિયાન કુર્તબાએ યુરોપના સંસ્કારી નગર તરીકે ખ્યાતિ મેળવી હતી અને બગદાદ તથા કૉન્સ્ટેન્ટિનોપલ સાથે આ શહેરે વિશ્વનાં ત્રણ સંસ્કારી નગરોમાં સ્થાન મેળવ્યું હતું. કુર્તબા શહેરમાં ત્યારે 21 ઉપનગરો અને એક લાખ તેર હજાર મકાનો હતાં. તે સિત્તેર જેટલાં પુસ્તકાલયો અને અસંખ્ય કિતાબઘરો, મસ્જિદો તથા મહેલોથી શોભતું હતું. કુર્તબાએ આંતરરાષ્ટ્રીય નામના મેળવી હતી અને વિદેશી પ્રવાસીઓનું આકર્ષણસ્થાન બન્યું હતું. તેમાં માઈલો સુધી ફરસબંધીવાળા રસ્તા હતા જે બંને તરફનાં મકાનોની બહાર મૂકવામાં આવેલાં પ્રકાશ-સાધનોથી દીપી ઊઠતા હતા. મહેલો તથા ઘરોની અંદર સ્નાનગૃહોની વ્યવસ્થા પણ હતી. કુર્તબામાં વેપાર અને ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો. તેમાં એક સમયે 13,000 વણકરો હતા અને ચર્મ-ઉદ્યોગની બોલબાલા હતી. ચામડાને કમાવી તેને ‘એમ્બોસ’ કરવાની કળા, કુર્તબામાંથી મોરોક્કો અને ત્યાંથી ઇંગ્લૅન્ડ તથા ફ્રાંસમાં પહોંચી હતી. કુર્તબાના યુરોપીય ઉચ્ચાર કોર્ડોવા ઉપરથી ચામડાના પોશાકોનાં વિવિધ નામ પડ્યાનું કહેવામાં આવે છે. દા.ત., COROVAN, CORDONNIER
અલ-નાસિરના અનુગામી અલ-હકમે વિદ્યા તથા શિક્ષણના ક્ષેત્રે કુર્તબાનું નામ રોશન કર્યું હતું. તેણે પાટનગરમાં નિ:શુલ્ક શિક્ષણ આપતી સત્તાવીસ જેટલી શાળાઓ સ્થાપી હતી, જે તેના પુરોગામીએ કુર્તબાની મુખ્ય મસ્જિદમાં શરૂ કરેલી. ‘કુર્તબા યુનિવર્સિટી’ને વિશ્વવિખ્યાત બનાવવામાં અલ-હકમે મહત્વનો ફાળો આપ્યો હતો. કેરોની અલ-અઝહર અને બગદાદની નિઝામિયાથી પણ પહેલાંની આ કુર્તબા યુનિવર્સિટીમાં સ્પેન ઉપરાંત યુરોપ, આફ્રિકા અને એશિયામાંથી મુસ્લિમ અને ખ્રિસ્તી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. અલ-હકમે યુનિવર્સિટીનો વિસ્તાર કરીને તેમાં ધાતુની પાઇપો વડે પાણી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી હતી.
કુર્તબામાં એક વિશાળ પુસ્તકાલય પણ હતું; એમાં ચાર લાખ પુસ્તકો હતાં. તેનું સૂચિપત્ર ચુંમાલીસ ભાગોમાં વહેંચેલું હતું.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી