કુરુક્ષેત્ર (સાહિત્ય : નવલકથા) : ગુજરાતી નવલકથાસર્જક દર્શકની એક મહત્વની નવલકથા. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં લખાયેલી કૃષ્ણવિષયક કૃતિઓમાં ‘કુરુક્ષેત્ર’ એક નવું ઉમેરણ છે. ‘કુરુક્ષેત્ર’માં દર્શકે મુખ્યત્વે બે હેતુ તાક્યા છે : એક તો મહાભારતના કૃષ્ણનું (ભગવાન તરીકે નહિ, પણ) લોકોત્તર મહામાનવ તરીકે નિરૂપણ. બીજો હેતુ આર્ય-અનાર્ય વચ્ચે લગ્નસંબંધ દ્વારા સાંસ્કૃતિક એકતાની સિદ્ધિ. કૃષ્ણને વેદવ્યાસે દિવ્યપુરુષ તરીકે કલ્પ્યા છે. ‘મહાભારત’ના ભીષ્મપિતામહથી માંડીને મોટાં, નાનાં અનેક પાત્રો તેમને ભગવાન તરીકે જ માને છે. દર્શકે કૃષ્ણ સાથે સંકળાયેલી ચમત્કારિકતા દૂર કરીને એમને ર્દષ્ટિસંપન્ન, લોકોત્તર પુરુષ તરીકે રજૂ કરવાના હેતુથી ‘મહાભારત’ના કેટલાક પ્રસંગોમાં ફેરફાર પણ કર્યા છે અને પોતાને ભગવાન રૂપે માનનારાં પાત્રો સમક્ષ પોતે જગતનિયંતા – ભગવાન નથી એવા આગ્રહપૂર્વક ઉદગાર કૃષ્ણમુખે રજૂ કર્યા છે. કૃષ્ણવિષ્ટિનો પ્રસંગ, ભીષ્મ સામે કૃષ્ણ રથનું ચક્ર લઈને દોડ્યા તે પ્રસંગ ઉદાહરણ તરીકે નોંધી શકાય.
અહીં દર્શકની સર્જકતા કરતાં એમની ઊંચી બૌદ્ધિકતા વિશેષ ધ્યાન ખેંચે છે. ઘટનાઓના નવીન અર્થઘટન કરવામાં, પોતાના વક્તવ્યનું સમર્થન થાય તે રીતે પરિસ્થિતિની ગોઠવણમાં તેમની કુશળતા દેખાય છે. નવલકથાનું બીજું પ્રયોજન સિદ્ધ કરવા માટે વાર્તાકારે ધૌમ્યમુનિની કન્યા તપતી અને નાગજાતિના યુવાન તક્ષકના પ્રેમસંબંધનું નિરૂપણ કર્યું છે. ધૌમ્યમુનિ આર્ય-નાગ સંમિલનની ભાવનાના પુરસ્કર્તા છે. એ માટે તેમનો આશ્રમ છે, પણ ધૌમ્યમુનિની પત્ની, કાશીરાજની કન્યા સુવર્ણા આવા લગ્નનો સખ્ત વિરોધ કરે છે. તે તક્ષકનું અપમાન કરીને કાઢી મૂકે છે. પણ વાર્તાકારે કુશળતાપૂર્વક, પોતાનો હેતુ સિદ્ધ થાય એ રીતે ઘટનાઓ યોજી છે. કૃષ્ણ, ભીષ્મ, દ્રૌપદી વગેરેનું આ લગ્નને સમર્થન મળતું દર્શકે બતાવ્યું છે. સુવર્ણાનો વિરોધ શમે છે. તપતી અને તક્ષકનાં લગ્ન તો થાય છે જ, પરંતુ મુનિની બીજી પુત્રી માધવી પણ નાગયુવાન સુભદ્રને પરણે છે. ગાંધીજીએ ઉચ્ચવર્ણની કન્યા હરિજન સાથે લગ્ન કરે તેવી ભાવના પરિપોષી હતી. ગાંધીજીની ભાવનાઓથી રંગાયેલા દર્શકે આ પ્રકારનાં લગ્ન પ્રયોજી તેને ચરિતાર્થ કરી છે.
દર્શકની સર્જક તરીકેની કુશળતા તપતી, તક્ષક, ચિંતામણિ જેવાં પાત્રસર્જનમાં વરતાઈ આવે છે. નાગજાતિની સંસ્કૃતિનો ચિતાર પણ ધ્યાન ખેંચે છે. તેમનું ગદ્ય શિષ્ટ, મનોહર અને પ્રસંગોપાત્ત કાવ્યમય બને છે. ‘કુરુક્ષેત્ર’ નવલકથા એવી છાપ મૂકે છે કે ‘દીપનિર્વાણ’ અને ‘સોક્રેટિસ’ના સર્જક ‘દર્શક’ની વિશિષ્ટતાઓનો અહીં લગભગ અભાવ વરતાય છે.
મધુસૂદન પારેખ