કુરુંતોગૈ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ. બીજી સદી) : સંઘકાલીન એટ્ટતોગૈમાં પ્રાચીનતમ તમિળ કૃતિ. ‘કુરુંતોગૈ’નો શાબ્દિક અર્થ છે લઘુકવિતાઓનો સંગ્રહ. એમાં 205 સંઘકાલીન કવિઓનાં 401 પ્રણય ગીતો સંગ્રહાયાં છે. આ ગીતો રચનારા કવિઓમાં કેટલાક ચોલ, ચેર તથા પાંડેય રાજાઓ સાથે સંબંધ ધરાવે છે. પદો ચારથી આઠ પંક્તિઓ સુધીનાં હોય છે અને અકવલ છંદમાં રચાયાં છે. તેમાં કુરિંજી, મુલ્લૈ, મરુદમ, પાલૈ અને નેયદલ એ પાંચ ભૂમિખંડનાં વર્ણનો છે. આ કૃતિમાં કવિઓના વ્યક્તિત્વની બાહ્ય પરિસ્થિતિ તેમજ વિવિધ માનસિક પ્રક્રિયાઓનું સજીવ ચિત્ર આલેખાયું છે. તેમાં તત્કાલીન તમિળ સમાજમાં પ્રાપ્ત વિભિન્ન જાતિઓ, એમનાં ધંધા, પહેરવેશ, રીતરિવાજો તથા માન્યતાઓનું વિસ્તૃત નિરૂપણ મળે છે. ક્યાંક ક્યાંક સંસ્કૃત શબ્દોનો પ્રયોગ પણ ર્દષ્ટિએ પડે છે. અલંકારોમાં વિશેષ કરીને આવૃત્તિ, હેતુ, કરણામાલા વિષમ પર્યાયયુક્ત અને ઉપમા અલંકારોના ઉપયોગથી કૃતિની કાવ્યમય અભિવ્યક્તિ સમૃદ્ધ બની છે.
કે. એ. જમના