કુરિયન, વર્ગીસ (જ. 26 નવેમ્બર 1921, કાલિકટ, કેરળ; અ. 9 સપ્ટેમ્બર 2012, નડિયાદ) : ડેરી-ઉદ્યોગમાં વિશ્વખ્યાતિ ધરાવતા નિષ્ણાત તથા ભારતમાં શ્વેતક્રાંતિના સર્જક. પિતાનું નામ પી. કે. કુરિયન અને માતાનું નામ અણમ્મા. શિક્ષણ બી.એસસી., બી.ઈ., એમ.એસસી., ડી.એસસી. સુધી. 1940માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એસસી. થયા બાદ 1943માં તે જ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયમાં સ્નાતક (ઑનર્સ) પદવી પણ મેળવી. ઉપરાંત 1946માં જમશેદપુર ખાતેની ટિસ્કો ટૅક્નિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. 1948માં અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયમાં વિશેષ યોગ્યતા (distinction) સાથે અનુસ્નાતક સ્તરની એમ.એસસી. પદવી મેળવી. ભારત પાછા આવ્યા પછી બૅંગલોર ખાતેની નૅશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ડેરી-ક્ષેત્રની વિશિષ્ટ તાલીમ પ્રાપ્ત કરી. આ ઔપચારિક પદવીઓ ઉપરાંત તેઓ ચૌદ જેટલી ડૉક્ટરેટની માનદ પદવીઓ ધરાવે છે, જે તેમને દેશવિદેશની યુનિવર્સિટીઓ દ્વારા એનાયત કરવામાં આવી છે (1965-2000). આ ચૌદ પદવીઓમાં સાત વિદેશી અને સાત ભારતની યુનિવર્સિટીઓએ એનાયત કરેલી છે. ભૂતકાળમાં તેમણે દેશવિદેશની પાંત્રીસ જેટલી સંસ્થાઓમાં એક યા બીજા પ્રકારનાં પદો પર કામ કર્યું છે; જેમાંથી સત્તર સંસ્થાઓના ચૅરમેન, બેમાં વાઇસ ચૅરમૅન ઉપાધ્યક્ષ, પાંચ સંસ્થાઓના નિયામક મંડળના સભ્ય, એકના કુલપતિ, એકમાં ટ્રસ્ટી અને બાકીની નવ સંસ્થાઓમાં અન્ય ઉચ્ચ પદો ભોગવ્યાં છે. 2004માં તેઓ અગિયાર જેટલી સંસ્થાઓમાં એક યા બીજા પદ પર કામ કરી રહ્યા હતા,
જેમાં છ સંસ્થાઓના ચૅરમૅન, એકમાં વાઇસ-ચૅરમૅન, એકના ટ્રસ્ટી, અને બાકીની ત્રણમાં અન્ય પદોનો સમાવેશ થાય છે. 1979થી તેઓ આણંદ ખાતેની ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રુરલ મૅનેજમેન્ટ’(IRMA)ના ચૅરમૅન; 1982થી આણંદ ખાતેના ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના ચૅરમૅન; 1983થી ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ., આણંદના ચૅરમૅન; 1988થી ફાઉન્ડેશન ફૉર ફિલ્મ્સ ઑન ઇન્ડિયાઝ વૉર ઑફ ઇન્ડિપેન્ડન્સના વાઇસ ચૅરમૅન; 1986થી લાલબહાદુર શાસ્ત્રી નૅશનલ મેમોરિયલ ટ્રસ્ટ, નવી દિલ્હીના બૉર્ડ ઑવ્ ટ્રસ્ટીઝના સભ્ય, 2001થી અમૂલ રિલીફ ટ્રસ્ટના ચૅરમૅન; સપ્ટેમ્બર, 2002થી વિકસિત ભારત ફાઉન્ડેશનના ચૅરમૅન; ફેબ્રુઆરી, 2003થી નૅશનલ કો-ઑપરેટિવ ડેરી ફેડરેશન ઑવ્ ઇન્ડિયા લિ.ના ચૅરમૅન તથા ડિસેમ્બર, 2003થી ટાસ્ક ફોર્સ ઑન ઍમ્પ્લૉયમેન્ટ સ્ટ્રૅટેજિસ ઍન્ડ ઍમ્પ્લૉયમેન્ટ મૉનિટરિંગ ઍટ સ્ટેટ લેવલ પ્લાનિંગ કમિશનના સભ્ય તથા 2004થી સાઉથ એશિયન નેટવર્ક ઑવ્ ફર્મેન્ટેડ ફૂડ(SAN Foods)ની સલાહકાર સમિતિના સભ્યપદે કામ કરી રહ્યા છે. અગિયાર જેટલી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક કે વિદ્યાકીય સંસ્થાઓએ તેમને અત્યાર સુધી માન્યતા પ્રદાન કરી છે; જેમાં એક સિનિયર ફેલોશિપ, એક ફેલોશિપ, એક માનદ ફેલોશિપ; એક પેટ્રન, એક કમ્પૅનિયન, એક માનદ સભ્ય અને એક ઍસોસિયેટ તરીકેની માન્યતાનો સમાવેશ થાય છે. વર્ષ 2006માં તેમને ‘ઇરમા’ તથા એન.ડી.ડી.બી.માંથી અમૃતા પટેલ સાથેના મતભેદોને કારણે રાજીનામું આપવું પડ્યું હતું.
વર્ષ 2006 સુધી તેમને કુલ 60 જેટલા ઍવૉર્ડો મળ્યા હતા. તેમાં 7 જેટલા આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડોનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડોમાં ‘રેમન મૅગસેસે ઍવૉર્ડ ફૉર કમ્યુનિટી લીડરશિપ’ (1963); 1986ના વર્ષ માટેનો ‘વૉટલેર પીસ પ્રાઇઝ’ ઍવૉર્ડ ઑવ્ કાર્નેજી ફાઉન્ડેશન; 1989ના વર્ષ માટેનું વર્લ્ડ ફૂડ પ્રાઇઝ; 1993માં વર્લ્ડ ડેરી એક્સ્પો, વિસ્કૉનસિન, યુ.એસ. દ્વારા ઇન્ટરનેશનલ પર્સન ઑવ્ ધ યર ઍવૉર્ડ; 1947માં ‘ઑર્ડર દ મેરિટ ઍગ્રિકોલ’ નામનો ફ્રાન્સની સરકાર દ્વારા એનાયત કરવામાં આવેલો ઍવૉર્ડ; વર્ષ 2000માં જાપાનના એશિયન પ્રોડક્ટિવિટી ઑર્ગનાઇઝેશન દ્વારા પ્રાદેશિક ઍવૉર્ડ તથા 2001માં ઇન્ટરનેશનલ કો-ઑપરેટિવ એલાયન્સ (ICA) દ્વારા રૉમડેલ પાયોનિયર્સ પ્રાઇઝ નામનો સર્વપ્રથમ ઍવૉર્ડનો સમાવેશ થાય છે. તેમને એનાયત થયેલા રાષ્ટ્રીય ઍવૉર્ડોમાં 1965માં ‘પદ્મશ્રી’, 1966માં ‘પદ્મભૂષણ’, 1986માં ‘કૃષિરત્ન’ તથા 1999માં ‘પદ્મવિભૂષણ’નો સમાવેશ થાય છે. તે ઉપરાંત તેમને અન્ય 49 અવૉર્ડ મળ્યા છે. જેમાં વિશ્વગુર્જરી ઍવૉર્ડ (1980), હરિઓમ્ આશ્રમ પ્રેરિત ઍવૉર્ડ (1987), રાજીવ ગાંધી સ્મૃતિ ઍવૉર્ડ (1991) (સુવર્ણ ચંદ્રક), લાલબહાદુર શાસ્ત્રી દેશગૌરવ સન્માન (1992), રવીન્દ્ર પુરસ્કાર (1993), ગુજરાત ગૌરવ ઍવૉર્ડ (1996), જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ઍવૉર્ડ (1999), ધ ઇકૉનૉમિક ટાઇમ્સ લાઇફ ટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ ફૉર કૉર્પોરેટ એક્સલન્સ (2001), લાઇફ ટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કંપની સેક્રેટરીઝ ઑવ્ ઇન્ડિયા (2001), લોકમાન્ય ટિળક ઍવૉર્ડ (2002) જેવા કુલ 49 ઍવૉર્ડોનો સમાવેશ થાય છે. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર દ્વારા તેમને એલએલ.ડી.ની સર્વોચ્ચ પદવીથી પણ સન્માનવામાં આવ્યા છે.
તેઓ ભારત સરકારના ઊર્જા સલાહકાર હોવા ઉપરાંત ગુજરાત રાજ્યના ડેરી ઉદ્યોગને લગતાં સલાહકાર મંડળો તથા સંસ્થાઓની મધ્યસ્થ સમિતિઓમાં પણ તેમણે ભૂતકાળમાં કામ કર્યું છે. 1960થી પશુપાલન તથા ડેરીવિકાસ માટે તે ગુજરાત રાજ્યના માનાર્હ સલાહકાર હતા. ઉપરાંત, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, જીવન વીમા કૉર્પોરેશન (L.I.C.), રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા તથા બૅંક ઑવ્ બરોડાના કેન્દ્રીય સંચાલક મંડળમાં ભૂતકાળમાં તેમની વરણી કરવામાં આવી હતી.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘પ્રોડક્ટિવિટી ઍન્ડ રુરલ ડેવલપમેન્ટ’, ‘પબ્લિક સર્વિસ બાય પ્રાઇવેટ પર્સન્સ’ તથા ‘વિમેન ઍન્ડ ફૂડ’ નોંધપાત્ર છે. તેમણે આત્મકથા પણ લખી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે