કુમ્બ્રિયન પર્વતો : ઇંગ્લૅન્ડના વાયવ્ય ભાગમાં આવેલું ગુંબજાકાર પર્વતીય ક્ષેત્ર. તે કેલિડોનિયન ગિરિનિર્માણક્રિયાથી રચાયેલા છે. તેનો મધ્યનો ભાગ વિશેષત: ઓર્ડોવિસિયન અને સાઇલ્યુરિયન કાળના પ્રાચીન ખડકોનો બનેલો છે. સ્કેફેલ તેનું ઊંચામાં ઊંચું શિખર આશરે 980 મી. જેટલું છે. વિન્ડરમિયર તેનું મોટામાં મોટું સરોવર છે. ઇડેન, ડરવેન્ટ, લુને, લાઉડર અને સેન્ટર જૉન વેક એ નદીઓ ત્રિજ્યાકારે વહે છે અને વિકેન્દ્રિત જળપરિવાહ રચે છે. પ્રાકૃતિક સૌંદર્યને કારણે લેક ડિસ્ટ્રિક્ટને લઘુ સ્વિટ્ઝર્લૅન્ડ તરીકે ઓળખવામાં આવે છે. કેસવિક, અંબલેસાઇડ અને પેનરિથ મુખ્ય પર્યટન-કેન્દ્રો છે. સડકો ઉપરાંત એક રેલમાર્ગ પૂર્વ તરફ વકિંગટનથી ડરવેન્ટ ખીણ થઈ કેસવિક અને પેનરિથ સુધી જાય છે.
વસંત ચંદુલાલ શેઠ