કુમાર, શિવ કે. [જ. 16 ઑગસ્ટ 1921, લાહોર (હાલ પાકિસ્તાનમાં); અ. 1 માર્ચ 2017 હૈદરાબાદ, ભારત] : ભારતીય અંગ્રેજી સાહિત્યના વિદ્વાન સર્જક. તેમના અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘ટ્રૅપફૉલ્સ ઇન ધ સ્કાય’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પહેલાં તેમણે પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી કેમ્બ્રિજમાં અભ્યાસ કરી અંગ્રેજી સાહિત્યમાં ડૉક્ટરેટ મેળવી. ત્યારબાદ તેમણે સમગ્ર જીવન એક લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન તરીકે વ્યતીત કર્યું. પંજાબ તથા દિલ્હીની વિવિધ સંસ્થાઓમાં અધ્યાપન કર્યા પછી, પહેલાં તેઓ ઓસમાનિયા યુનિવર્સિટી અને પછી હૈદરાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર તથા અધ્યક્ષ બન્યા. સાહિત્યના પ્રોફેસર તરીકે તેમણે અમેરિકા, બ્રિટન તથા દૂર પૂર્વના દેશોનો પ્રવાસ કર્યો. 1971માં ઑસ્ટ્રેલિયાની સરકાર તરફથી તેમને સાંસ્કૃતિક પુરસ્કારપ્રાપ્ત અતિથિ તરીકે નિમંત્રણ અપાયું હતું.

તેઓ કવિ, નાટ્યકાર, નવલકથાલેખક, અનુવાદક તથા સમાલોચક છે. તેમણે કાવ્યસંગ્રહો, ટૂંકી વાર્તાઓ , નવલકથાઓ તથા  નાટક તેમજ સાહિત્યિક વિવેચનના અને અનુવાદનાં પુસ્તકો આપ્યાં છે. નામી ઉર્દૂ શાયર ફૈઝ અહમદ ફૈઝનો અંગ્રેજી કાવ્યાનુવાદ પણ તેમણે હાથ ધર્યો હતો. તેમનાં કાવ્યો બ્રિટન, અમેરિકા, યુરોપ તથા દૂર પૂર્વનાં સામયિકોમાં પ્રગટ થયાં છે તથા બી.બી.સી. પરથી પ્રસારિત થયાં છે. તેઓ ‘ઇલસ્ટ્રેટેડ વીકલી ઑવ્ ઇન્ડિયા’ના કાવ્યસંપાદક રહ્યા હતા. 1978માં તેઓ રૉયલ સોસાયટી ઑવ્ લિટરેચર(બ્રિટન)ના ફેલો ચૂંટાયા હતા.

પુરસ્કૃત ગ્રંથ 43 કાવ્યોનો સંગ્રહ છે. તેમાં વિષય-વસ્તુ, મનોભાવો તથા પરિસ્થિતિઓનું મનોહર વૈવિધ્ય છે. કવિની તટસ્થ જાગરૂકતા તથા મનોહર શૈલી એ અંગ્રેજીમાં લખાયેલ આ કૃતિનું સમૃદ્ધ પાસું છે.

મહેશ ચોક્સી