કુમારપાલપડિબોહ (કુમારપાળપ્રતિબોધ)

January, 2008

કુમારપાલપડિબોહ (કુમારપાળપ્રતિબોધ) આશરે (ઈ. સ. 1185) : પ્રાકૃત કથાગ્રંથ. તેના કર્તા આચાર્ય સોમપ્રભસૂરિ છે. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી પ્રભાવિત થઈને ચાલુક્યવંશી રાજા કુમારપાળે જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો. તે આ કૃતિનો મુખ્ય વિષય છે. આ કથાગ્રંથની રચના કુમારપાળના મૃત્યુનાં અગિયાર વર્ષ પછી થઈ. તે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં લખાયેલો છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને અપભ્રંશનો પ્રયોગ પણ થયેલો છે. આ ગ્રંથના પાંચ પ્રસ્તાવમાંથી પાંચમો પ્રસ્તાવ અપભ્રંશમાં છે. તેમાં કુલ 54 કથા છે. ઘણીખરી કથા પ્રાચીન છે. પ્રથમ પ્રસ્તાવમાં મૂળદેવ, અમરસિંહ, દામન્નક વગેરેની કથાઓ છે. દ્વિતીય પ્રસ્તાવમાં દેવપૂજાના ફળને બતાવનાર દેવપાળ, સોમ અને ભીમની કથા છે. ત્રીજા પ્રસ્તાવમાં ચંદનબાળા, ધન્ય વગેરેની કથા છે. તેમાં શીલવતીની કથા અત્યંત આકર્ષક અને રસપૂર્ણ છે. ચોથા પ્રસ્તાવમાં અહિંસા, સત્ય વગેરે શ્રાવકનાં બાર વ્રતોનું અત્યંત સુંદર વર્ણન છે. તેમાં મકરધ્વજ, પુરંદર અને જયદ્રથની કથા સંસ્કૃતમાં લખાયેલી છે.

પાંચમો પ્રસ્તાવ અપભ્રંશમાં લખાયેલો છે, તેમાં ‘જીવમન:કરણસંલાપકથા’ ધાર્મિક કથાબદ્ધ રૂપકકાવ્ય છે. તેમાં જીવન, મન અને ઇન્દ્રિયોનો સુંદર વાર્તાલાપ છે. અપભ્રંશ પદ્યોમાં રડ્ડા, પદ્ધડિયા અને ઘત્તા છંદોનો પ્રધાનપણે પ્રયોગ થયો છે. મુનિ જિનવિજયજી સંપાદિત આ ગ્રંથ વડોદરાની ગાયકવાડ ઑરિયેન્ટલ સિરીઝમાં 1920માં પ્રસિદ્ધ થયેલ છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા