કુમારદાસ (ઈ. સ. આઠમી સદી) : સિંહાલી કવિ અને રાજપુત્ર. રાજા કુમારમણિ યુદ્ધમાં મૃત્યુ પામ્યા તે જ સમયે તેમના પુત્ર, રાજા અને કવિ કુમારદાસનો જન્મ થયો હોવાથી કુમારદાસ શ્રીમેધ અને અગ્રબોધી નામના બે મામા પાસે ઊછરેલા. કુમારદાસ લંકાના રાજા હોવાની અને પોતાના મિત્ર કવિ કાલિદાસના આકસ્મિક મૃત્યુના સમાચારે મિત્ર પાછળ પોતાના પ્રાણત્યાગ કરવાની દંતકથા ખૂબ જાણીતી છે. ‘મહાવંશ’માં વર્ણવાયેલા રાજા કુમાર ધાતુસેનને કવિ કુમારદાસ તરીકે સ્વીકારવાની પરંપરાને કોઈ આધાર નથી. રાજશેખરના મતે તે જન્મથી અંધ કવિ હતા. કુમારદાસે ‘જાનકીહરણ’ મહાકાવ્યમાં કાશિકામાંથી કેટલાક શબ્દપ્રયોગો આપ્યા હોવાથી તેમનો સમય ઈ. સ.ની આઠમી સદીમાં નક્કી કરી શકાય. ‘જાનકીહરણ’ સિંહાલી ટીકામાં 25 સર્ગો સુધી અને પ્રાચીન હસ્તપ્રતમાં 20 સર્ગો સુધી મળતું હોવા છતાં તે સંપૂર્ણ પ્રગટ થયું નથી. 15 સર્ગ સુધીમાં રામકથા અંગદદૌત્ત્ય સુધી અને 20 સર્ગ સુધીમાં લંકાવિજય પછી રામના રાજ્યાભિષેક સુધી વાર્તા વર્ણવાઈ છે. ‘ભટ્ટિકાવ્ય’ મુજબ રામકથા અને કાલિદાસનાં કાવ્યો મુજબ શબ્દાલંકાર સિવાયનાં કાવ્યત્વો તેમના કાવ્યમાં રજૂ થયાં છે. રાજશેખર કુમારદાસને કાલિદાસની હરોળમાં ગણે છે. જલ્હણ, રાયમુકુટ અને ઉજ્જ્વલદત્તે કુમારદાસના શ્લોકો ઉદ્ધૃત કર્યા છે.
પ્ર. ઉ. શાસ્ત્રી