કુમારકલ્યાણરસ : એક આયુર્વેદિક ઔષધ. રસસિંદૂર, મોતીપિષ્ટિ, સુવર્ણભસ્મ, અભ્રકભસ્મ, લોહભસ્મ અને સુવર્ણમાક્ષિક ભસ્મ – આ 6 ચીજો સરખે ભાગે એક ખરલમાં નાંખી, તેમાં કુંવારપાઠાનો રસ ઉમેરી, 1 દિવસ સુધી ઘૂંટાઈ કર્યા બાદ તેની મગ જેવડી ગોળીઓ વાળી લેવામાં આવે છે.
બે વર્ષની વય સુધીના બાળકને ગોળી; 2થી 5 વર્ષની વય સુધીનાને 1 ગોળી અપાય છે. એ ગોળી માતાનું ધાવણ, ગાયનું દૂધ, આદુનો રસ, તુલસીનો રસ, કાળા મરીનું ચૂર્ણ અથવા મધ સાથે અપાય છે. રોગના પ્રકાર અને તેની તાસીર મુજબ યોગ્ય અનુપાન રાખવામાં આવે છે.
બાળકોના સર્વ રોગોના નિવારણ તથા સંપૂર્ણ ઉત્તમ સ્વાસ્થ્ય માટે આ એક ઉત્તમ રસાયન ઔષધિ છે. જે બાળકોના તાવ, ખાંસી, શ્વાસ, ઊલટી, વરાધ, બાલશોષ, બાલગ્રહ, કમળો, દૂષિત જ્વર, ઝાડા, મંદાગ્નિ, નબળાઈ, કૃશતા જેવા રોગો દૂર કરી, બાળકના હૃદયને ઉત્તેજન આપે છે. આ રસના નિત્ય સેવનથી બાળક હૃષ્ટ-પુષ્ટ, તંદુરસ્ત અને સ્ફૂર્તિવાન બને છે. આ ઔષધિ નબળા અને દૂબળા બાંધાનાં તથા રોગિષ્ઠ બાળકો માટે ખરેખર કલ્યાણકારક છે. આ ઔષધિ વાત, પિત્ત અને કફ ત્રણેય પ્રકૃતિવાળાને ફાયદો કરે છે. જોકે વાતજ અને કફજ વિકૃતિ પર એ વધારે સુંદર કામ કરે છે. પિત્તપ્રકોપમાં આ દવા સાથે પ્રવાલપિષ્ટિ ઉમેરી, તે ગુલકંદ કે આમળાના ચાટણ સાથે અથવા અરવિન્દાસવ સાથે અપાય તો વધુ જલદી સારી અસર થાય છે. આ ઔષધિ વારંવાર બીમાર પડી જતાં બાળકોને લાંબો સમય આપવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધી જતાં, તેઓ સ્વસ્થ રહે છે. જાણકાર વૈદ્યની સલાહ લઈને જ આ ઔષધિ બાળકને આપવી વધુ હિતાવહ છે.
બળદેવપ્રસાદ પનારા