કુપવારા (Kupwara) : જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 34° 20′ ઉ. અ. અને 74° 20′ પૂ. રે.ની આજુબાજુનો 2,379 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મુઝફફરાબાદ, પૂર્વમાં બારામુલા, દક્ષિણે અને પશ્ચિમે મુઝફફરાબાદ જિલ્લા આવેલા છે. જિલ્લામથક કુપવારા શ્રીનગરથી વાયવ્યમાં આશરે 90 કિમી. જેટલા અંતરે આવેલું છે. જિલ્લાનું નામ જિલ્લામથક પરથી અપાયેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ પહાડી છે. રાજ્યના મુખ્ય ખીણ-વિસ્તારથી આ જિલ્લો તેના 1650 મીટરની ઊંચાઈએ રહેલા પહાડી ભૂપૃષ્ઠને કારણે શિયાળામાં અલગ પડી જાય છે. અહીં ગભરા ઘાટ, સાધના ઘાટ, નસ્તુચાન ગલી, ફરખાન ગલી અને તુટોનાર ગલી જેવા મહત્વના ઘાટ આવેલા છે, જેનાથી જિલ્લો તેના આંતરિક ભાગો સાથે સંપર્કમાં રહી શકે છે. અહીં ગીચ જંગલો આવેલાં છે. હિમાલયમાંથી નીકળતી અને પૂર્વથી પશ્ચિમ વહેતી કિશનગંગા નદી અહીંની એકમાત્ર નદી છે, તે આગળ જતાં જેલમને મળે છે.
ખેતી–સિંચાઈ–પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર આધારિત છે. જિલ્લાની 90 % વસ્તી ગ્રામીણ છે અને તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, જવ, મકાઈ, ઘઉં અને કઠોળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં અખરોટની પણ બાગાયતી ખેતી થાય છે. જિલ્લામાં સિંચાઈ નદી તેમજ સંચિત-તળાવો દ્વારા કરવામાં આવે છે. જિલ્લામાં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં તેમજ અન્ય પશુઓનું પાલન કરવામાં આવે છે; તદુપરાંત મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે.
ઉદ્યોગ–વેપાર : જિલ્લામાં ગીચ જંગલો હોવાથી નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થયો છે. ઔષધીય છોડવા પણ ઉછેરાય છે. જિલ્લામાં ચૂનાખડકો, આરસપહાણ તથા લિગ્નાઇટનું થોડા પ્રમાણમાં ઉત્પાદન લેવાય છે. અહીંના લિગ્નાઇટનો ઉપયોગ તાપવિદ્યુત મથકમાં, રાસાયણિક ખાતરોમાં તથા ઇંધન માટે ઈંટો (કોલસી દાબીને બનાવાતી ઈંટ) બનાવવામાં થાય છે. જિલ્લાના કુપવારાનગર ખાતે બ્લકેટ તથા હુંદવારા ખાતે લાકડાનું રાચરચીલું તૈયાર થાય છે. ફળો તેમજ અખરોટની નિકાસ તથા ચોખા અને કાપડની આયાત કરવામાં આવે છે.
પરિવહન : પહાડી ભૂપૃષ્ઠ હોવા છતાં છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન જિલ્લામાં આશરે 600 કિમી. લંબાઈના માર્ગો તેમજ પુલો તૈયાર કરવામાં આવ્યા છે; તેમ છતાં કેટલાક દુર્ગમ ભાગોમાં આ સેવા ઉપલબ્ધ કરી શકાઈ નથી.
પ્રવાસન : જિલ્લામાં આવેલા હિમાચ્છાદિત પર્વતો, ઝરણાં, ઝરા, હરિયાળી તેમજ જંગલોને કારણે તથા મધ્યમસરની આબોહવાને કારણે ઉનાળા દરમિયાન અહીં પ્રવાસીઓની અવરજવર રહે છે. માર્ગોનો વિકાસ થવાથી અહીં વિહારધામો, વિશ્રામસ્થાનો, હૉટેલો અને રેસ્ટોરાંની સુવિધાઓ કરાઈ છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં સત્કુલનાગ, ચારચશ્મા (ચાર ઝરા), રામકુંડ, ગોતામ્રશીનાગ (ઝરો), કુપવારા ગુફા, લોલાબ ખીણ, નાગમર્ગ-બંગસ ગોચર તથા રામકુંડ મંદિરનાં ખંડિયેર, શારદામૈયા મંદિર, ધ્યાનેશ્વર મંદિર તેમજ નાંદ્રિશી પીરની કબરનો સમાવેશ થાય છે. જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્ર, ઈદ-ઉલ-ઝુહા, ઈદે-મિલાદ અને મિરજ આલમના તથા મોહરમના ઉત્સવો ઊજવાય છે.
વસ્તી : જિલ્લાની વસ્તી 11.92 લાખ (2024) જેટલી છે. અહીં ઉર્દૂ, કાશ્મીરી અને ડોગરી ભાષાઓ બોલાય છે. અહીંની મોટાભાગની વસ્તી મુસ્લિમોની છે, તે ઉપરાંત હિન્દુ, ખ્રિસ્તી અને શીખ લોકોની વસ્તી નજીવી છે. અહીંની આશરે 30 % વસ્તી સાક્ષર છે. વહીવટી સરળતા માટે જિલ્લાને ત્રણ તાલુકાઓમાં વહેંચેલો છે. જિલ્લાની ઘણીખરી વસ્તી ગ્રામીણ છે. કુપવારા અને હુન્દવારા અહીંનાં મુખ્ય નગરો છે.
ગિરીશભાઈ પંડ્યા