કુપરિન, ઍલેક્ઝાન્ડર ઇવાનોવિચ (જ. 7 સપ્ટેમ્બર 1870, નરોવખાત; અ. 25 ઑગસ્ટ 1938, લેનિનગ્રાડ) : રશિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓના લેખક. કુપરિનના પિતા સરકારી નોકર, માતા ઉચ્ચ તાર્તાર કુટુંબમાંથી આવેલાં. પ્રથમ કેડેટ અને ત્યારપછી મિલિટરી શાળામાં રહ્યા પછી કુપરિન લશ્કરી અધિકારી બનેલ. 1894માં લશ્કરમાંથી મરજિયાત નિવૃત્તિ લીધી અને ત્યારપછી કારકુન તરીકે, મોજણીદાર તરીકે અને પછી અભિનયના વ્યવસાયમાં કામ કર્યું. ‘મોલોખ’ (1896) ટૂંકીવાર્તા દ્વારા બહોળી પ્રસિદ્ધિ મેળવી.
1905ની ક્રાંતિ પહેલાં ડાબેરી ઝોકવાળાં લખાણોમાં ભાગીદાર બન્યા. જાપાન દ્વારા રશિયાનો પરાભવ થયો તે યુદ્ધ વખતે રશિયન સૈન્યના ગેરકારભારનું બ્યાન તેમણે ખૂબ જ પ્રસિદ્ધિ પામેલ વાસ્તવિક નવલકથા ‘પોયેદિનોક’(1905), ‘ધ રિવર ઑવ્-લાઇફ’ (1916) તથા ‘સાશા’(1920)માં કર્યું. અંતકાળ સુધી કુપરિન વાસ્તવવાદને વરેલા રહ્યા છતાંય જૂઠાણાનો પડદો ચીરી નાંખતા. આ સમય પછી, આધુનિક રશિયન નવોદિતોમાં હંમેશ ચર્ચાતા અજાગ્રત મન, મૃત્યુ, સ્ત્રીપુરુષના યૌન સંબંધોમાંથી નીપજતા પ્રશ્નો અને ગૂઢવાદ જેવા વિષયોને લઈ તેમણે વાર્તાઓ લખી. કુપરિનના નાયકોની વિશિષ્ટતા, તેમનાં ગાંડપણ અને માનસિક અસમતુલામાં જોવા મળે છે. આમ છતાંય સાહસ એ જ જેનો જીવનમંત્ર છે એવા કલાકારો, અશ્વોની ચોરી કરનાર અને માછીમારોને એમણે ઠેરઠેર રજૂ કર્યા છે. 1908માં ‘સુલામિથ’ (સુલામિથ : એ પ્રોઝ પોયેમ ઑવ્ એન્ટિક્વિટી’, 1923) પ્રસિદ્ધ થઈ. 1911માં ‘ગ્રનાતોવીઆઈ બ્રેસીલેટ’ (‘ધ બ્રેસલેટ ઑવ્ ગાર્નેટ્સ, ઍન્ડ અધર સ્ટોરીઝ’, 1917), હેમસનની ‘વિક્ટોરિઆ’ની અસર તળે લખાયેલ પ્લેટોનિક પ્રેમની ગૂઢ કથા પ્રગટ થઈ. 1910થી 1915ના ગાળા દરમિયાન કુપરિને ઝણઝણાટી પ્રગટાવતી ‘યામા’ (1910) લખી અને ‘ઝિદ્કોયે સોલન્ત્ઝે’ (1913) જેવી વૈજ્ઞાનિક નવલ-પરિકથા ઉપર હાથ અજમાવ્યો. બૉલ્શેવિઝમના આ અઠંગ વિરોધીએ રશિયન ક્રાન્તિ પછી પરદેશમાં વસવાટ કર્યો. 1937માં એ રશિયા પરત આવ્યા, ત્યારે રઝળપાટ અને દારૂના વ્યસનથી તેમની તબિયત કથળી ચૂકી હતી.
વિ. પ્ર. ત્રિવેદી