કુન્દેરા, મિલાન (જ. 1 એપ્રિલ 1929, બ્રૂનો, ચેકોસ્લોવૅકિયા; અ. 11 જુલાઈ 2023 પેરિસ, ફ્રાંસ) : ચેક નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, નાટ્યકાર અને કવિ. શિક્ષણ પ્રેગમાં. પોતે સામ્યવાદી વિચારધારામાં પરોવાયા હોવાં છતાં સામ્યવાદી શાસકોનું કટુ વિવરણ હાસ્યની પછવાડે તેમણે પ્રયોજ્યું છે. પિતા સંગીતકારોની મંડળીના જાણીતા પિયાનોવાદક અને નિર્દેશક હતા. ‘ક્લો વૅક્ ઝાહરાદા શીરા’ (‘મૅન : ઍ બ્રૉડ ગાર્ડન’, 1953) તેમનાં કાવ્યોનો પ્રથમ સંગ્રહ છે. ત્યારપછી ‘પૉસ્લેદની માઝ’ (‘ધ લાસ્ટ મે’, 1955) અને ‘મૉનોલૉજી’ (‘મૉનૉલૉગ્ઝ’, 1957) અન્ય કાવ્યસંગ્રહો છે. આ કાવ્યો કટાક્ષથી ભરપૂર હોવાની સાથે કામોદ્દીપક પણ છે. પ્રેગની ‘અકાદમી ઑવ્ મ્યૂઝિક ઍન્ડ ડ્રામેટિક આર્ટ્સ’ની ફિલ્મ ફેકલ્ટીમાં તેમની વ્યાખ્યાતા તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
કુન્દેરાની ટૂંકી વાર્તાઓ અને એકાંકી નાટકોને વાચકો અને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિભાવ સાંપડેલો. ‘માજિતેલૅ ક્લિકુ’ (‘ધી ઑનર્સ ઑવ્ ધ કિઝ’, 1962) તેમનું સફળ એકાંકી છે. ‘ઝર્ત’ (‘ધ જોક’, 1967) યશસ્વી નવલકથા છે. તેમાં જાતભાતનાં વિવિધ પાત્રોનાં અંતરંગ અને તેમનાં પ્રારબ્ધની ઘટનાઓની કટાક્ષમય બાનીમાં રજૂઆત થઈ છે. આ કથામાં સ્ટાલિનના જુલ્મી અને એકધારા તંત્રના ભયના ઓથાર નીચે જીવતાં અને ક્ષણે ક્ષણે મરતાં માણસોની આપવીતીનું બયાન છે. યુરોપની કેટલીક ભાષાઓમાં તે અનૂદિત થઈ છે. તેમની નવલકથા ‘ઝિવૉત જ જિન્દે’ (‘લાઇફ ઇઝ એલ્સવ્હેર’, 1969) એક અત્યંત કમનસીબ, પરંતુ રૉમેન્ટિક પ્રકારના નાયકની કથા છે; કદાચ તે લેખકની પોતાની કથા હોય તેમ લાગે છે. કુન્દેરાએ ચેકોસ્લોવૅકિયાના સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભાગ લીધો હતો. સોવિયેત સત્તાધીશોની સમક્ષ તે પોતાની રાજકીય ભૂલો સ્વીકારે તો તેમને માફી મળે તેમ હતું, પરંતુ કુન્દેરા તે માટે કદાપિ તૈયાર થયા નહિ. આ માટે તેમના પર શારીરિક હુમલો પણ થયો હતો. તેમનાં તમામ લખાણો પર નિયંત્રણ મૂકવામાં આવેલ. આ પૂરતું ન હોય તેમ તેમને ચાલુ નોકરીમાંથી પણ રુખસદ આપવામાં આવી. સજારૂપે સામ્યવાદી પક્ષમાંથી તેમની હકાલપટ્ટી પણ કરવામાં આવી હતી.
કુન્દેરા અને તેમનાં પત્ની વેરા રહાબૅનકૉવા બન્ને પોતાના વતન ચેકોસ્લોવૅકિયાના વતનમાંથી 1975માં ઇમિગ્રેશન વિઝા મેળવીને ફ્રાન્સ ગયાં. અહીં કુન્દેરાએ ત્રણ વર્ષ જેટલા સમય માટે યુનિવર્સિટી ઑવ્ રૅન્સમાં અધ્યાપન કર્યું. 1979માં ચેક સરકારે પતિ-પત્નીનું નાગરિકત્વ છીનવી લીધું. ‘વૉલ્સિક ના રૉઝલૉસૅનુ’ (1976, અં. અનુ. ‘ધ ફેરવેલ પાર્ટી’), ‘નિહા સ્મિચુ અ ઝૅમ્પોમ્નેની’ (1979, ‘ધ બુક ઑવ્ લાફ્ટર ઍન્ડ ફર્ગેટિંગ’) અને ‘ને નેસિતેઇના લેહ્કોસ્ત બાયતી’ (1945, ‘ધી અનબેરેબલ લાઇટનેસ ઑવ્ બીઇંગ’) ફ્રાન્સ અને અન્ય સ્થળોએ પ્રસિદ્ધ થયેલી નોંધપાત્ર કૃતિઓ છે. જોકે 1989 સુધી ચેકોસ્લોવૅકિયામાં રાજ્યસત્તા તરફથી તેમનાં લખાણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમનું ‘ધ બુક ઑવ્ લાફ્ટર ઍૅન્ડ ફર્ગેટિંગ’ વાચકોમાં ખૂબ જાણીતું પુસ્તક છે. તેમાં આધુનિક રાજ્ય (modern state) માનવ-યાદદાસ્ત અને ઐતિહાસિક સત્યનો ઉચ્છેદ કેવી રીતે કરે છે તેની વાત હાસ્ય-કટાક્ષથી ભરપૂર ચિંતનાત્મક નિબંધ સ્વરૂપમાં વ્યક્ત કરવામાં આવી છે. ‘ઇમ્મૉર્ટાલિટી’ (1991), ‘ટેસ્ટામેન્ટ બીટ્રૅઇડ’ (1995) અને ‘આઇડેન્ટિટી’ (1998) એમની નોંધપાત્ર નવલકથાઓ છે.
વિ. પ્ર. ત્રિવેદી