કુન્તક (950-1050 આસપાસ) : કુન્તક, કુન્તલ કે કુન્તલક વગેરે અભિધાનોથી જાણીતા કાશ્મીરી વિદ્વાન. કાવ્યનો આત્મા વક્રોક્તિ છે એ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરતાં તેમણે પોતાના ગ્રંથનું શીર્ષક ‘વક્રોક્તિજીવિત’ આપ્યું હોવાથી વક્રોક્તિજીવિતકાર તરીકે તે પ્રસિદ્ધ છે. 950 પહેલાં થયેલા રાજશેખરનો કુન્તકે ઉલ્લેખ કર્યો છે અને 1050 પછી થયેલા મહિમ ભટ્ટે કુન્તકનો નામોલ્લેખ કર્યો છે તેથી તેમનો સમય 950થી 1050 વચ્ચેનો ગણાવી શકાય. અભિનવગુપ્ત (1015) કુન્તકના સમકાલીન હતા. જુદા જુદા કવિઓના 500થી વધુ શ્લોકો ‘વક્રોક્તિજીવિત’માં કુન્તકે ટાંક્યા છે. ધ્વનિનું ખંડન કરવાને લીધે તેમનો ગ્રંથ ધ્વનિવાદીઓને હાથે ઉપેક્ષા પામેલો તેથી હજી પણ તે અધૂરો જ મળે છે. અલંકારવાદગર્ભિત વક્રોક્તિવાદનું મંડન અને ધ્વનિનું ખંડન કરનારા આચાર્ય તરીકે કુન્તક અલંકારશાસ્ત્રમાં ચિરંજીવ રહેલ છે.
પ્ર. ઉ. શાસ્ત્રી