કુડી કાહની કરદી ગઈ (1943) : પંજાબી લેખક કરતારસિંહ દુગ્ગલની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. તેમાંના વસ્તુનિરૂપણની નવ્યતાને કારણે એ પુસ્તકના પ્રકાશને ઊહાપોહ મચાવેલો. પંજાબી સાહિત્યમાં આ પુસ્તક દ્વારા પહેલી જ વાર પ્રકૃતિવાદ અને જાતીય સંબંધોનું મુક્ત નિરૂપણ દાખલ થયું. પછી અનેક લેખકોએ તેનું અનુસરણ કર્યું. થોડા સમય પછી દુગ્ગલે સ્વીકાર્યું કે અન્ય ભાષાઓના અનેક સમકાલીનોની માફક આ વાર્તાઓ પ્રગતિવાદની ખોટી સમજથી લખાઈ હતી. સામાન્ય રીતે એમની કૃતિઓમાં સામાજિક પ્રતિબદ્ધતા અનુસ્યૂત હોય છે તે ર્દષ્ટિએ આ સંગ્રહ તેમની કલાનું પ્રતિનિધિત્વ કરે છે એમ કહી શકાય નહિ.

ગુરુબક્ષસિંહ