કુડાલ્લુર અચ્યુતમ્

January, 2008

કુડાલ્લુર, અચ્યુતમ્ (જ. 1945, કુડ્ડાલુર, કેરાલા; અ. 18 જુલાઈ 2022, ચેન્નાઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો દેશવિદેશમાં અનેક સ્થળોએ યોજાયાં છે. પ્રણાલીગત હિંદુ ધાર્મિક અને રોજબરોજના જીવનનાં પ્રતીકોને શણગારાત્મક/સુશોભનાત્મક શૈલીએ એકમેક સાથે સંયોજિત કરીને આલેખવા માટે તેઓ જાણીતા છે. નાગ, સાથિયા, કોડિયાં, ત્રિશૂળ, ઓમ્, બીજચંદ્ર, હાથ અને પગની છાપ, શ્રીયંત્ર જેવાં પ્રતીકો તેમનાં ચિત્રોમાં વારંવાર દેખાય છે. 1982માં તમિલનાડુ લલિત કલા અકાદમીનો ઍવૉર્ડ તેમ જ દિલ્હીની રાષ્ટ્રીય લલિતકલા અકાદમીએ 1988માં રાષ્ટ્રીય પુરસ્કાર વડે તેમનું સન્માન કર્યું હતું.

અમિતાભ મડિયા