કુટ્ટિ કૃષ્ણ મારાર (જ. 1900; અ. 1973) : મલયાળમ વિવેચક. નવોત્થાનકાળના મલયાળી વિવેચકોમાં મારાર સૌથી વધુ મૌલિક છે. મદ્રાસ યુનિ.માંથી તેમણે 1923માં સંસ્કૃતમાં સાહિત્યશિરોમણિની પદવી મેળવી. તેમની તીક્ષ્ણ બુદ્ધિશક્તિ, સૂક્ષ્મ અવલોકનશક્તિ અને સ્વતંત્ર વિચારસંપત્તિ તેમના સમકાલીનોમાં ઈર્ષ્યાપાત્ર બનેલ છે. સંસ્કૃત ભાષાના તે વિદ્વાન છે. તેમણે સાહિત્યિક કારકિર્દી કવિ તરીકે શરૂ કરેલી. તેઓ નારાયણ મેનન અને અન્ય વિખ્યાત મલયાળમ કવિઓના પ્રભાવ હેઠળ આવ્યા. તે દરમિયાન 1928માં તેમણે ‘સાહિત્યભૂષણમ્’ ગ્રંથ રચ્યો અને મલયાળમ સાહિત્યમાં પરંપરાગત પ્રથાને પડકારનાર તરીકે ખ્યાતિ પામ્યા. પરંતુ થોડા સમયમાં જ તે સાહિત્યજગતના ઉગ્ર મૂર્તિભંજક વિવેચક બન્યા. તેમની ભાષા મૌલિક વિચારોને અનુરૂપ પ્રાણવંત હોય છે. કવિ કાલિદાસની કૃતિઓનું સટીક સંપાદન તેમનું અત્યંત મૂલ્યવાન પ્રદાન ગણાય છે. ‘મલાયળ શૈલી’ વિશેનો તેમનો ગ્રંથ ભાષા, રૂઢિપ્રયોગો અને મુહાવરા વિશેનો ઊંડો અભ્યાસ દર્શાવે છે. મલયાળમ છંદો વિશે તેમણે ‘વૃત્તિશિલ્પમ્’ (1952); હાસ્યરસ વિશે ‘હાસ્યાસાહિત્યમ્’ (1957) રચેલ છે. ‘કલા જીવિતમ્ તન્ને’ (કલા એ જ જીવન) નામના તેમના શ્રેષ્ઠ વિવેચનગ્રંથને 1966ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

અક્કવુર નારાયણન્