કુટ્ટનીમત (આઠમી સદી) : જયાપીડના કુંવર લલિતાપીડના શાસનકાળ દરમિયાન વારાણસીની કુટ્ટણીઓમાં પ્રચલિત આચારવિચારનું આર્યા છંદોબદ્ધ (1058) પદ્યોમાં સચોટ આલેખન ધરાવતો ગ્રંથ. તેનું બીજું નામ શંભલીમત કે કામિનીમત. રચયિતા દામોદર ગુપ્ત. તે કાશ્મીરનરેશ જયાપીડના રાજ્યાશ્રિત હતા. માલતી નામે સૌંદર્યવતી ગણિકાને વિકરાલા નામની કૂટણી ધનિક યુવાનોને ફસાવવાની દુષ્ટ યુક્તિઓ સમજાવે છે તેવી કથા છે. તેમાં હારલતા નામની વેશ્યા અને પુરંદરપુત્ર સુંદરસેન બ્રાહ્મણના પ્રણયની (પદ્ય) તેમજ સિંહભટ્ટના કુંવર સમરભટ્ટ અને વારાણસીની નર્તકી મંજરીના પ્રણયની ઉપકથાઓ છે. તેમાં નાટકી કલા, શિકાર અને સમાજનાં અન્ય પાસાંની ઠીક ઠીક માહિતી ગૂંથી લીધી છે. તત્કાલીન સામાજિક, રાજકીય, કૌટુંબિક અને સાહિત્યિક પરિસ્થિતિના અરીસા સમાન આ ગ્રંથ છે. કવિએ તેની આ કૃતિ પુખ્તવયે રચી છે; તેમાં સાહિત્ય, વ્યાકરણ, તત્વજ્ઞાન, રાજકારણ, શૃંગારક, સ્મૃતિ, આયુર્વેદ, પુરાણ, તીરંદાજી, ચિત્રકામ, સંગીત, નાટ્યશાસ્ત્ર, તર્કશાસ્ત્ર વગેરે વિશેનું તેમનું જ્ઞાન પ્રગટ થાય છે.
જયદેવ જાની