કુટુંબનિયોજન : સુયોજિત સીમિત કુટુંબની રચના. પ્રાપ્ત સંજોગોમાં દંપતી જેટલાં સંતાનોનું યોગ્ય રીતે ભરણપોષણ તથા ઉછેર કરી શકે તેટલાં સંતાનોની સમયબદ્ધ પ્રજોત્પત્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે અને સભાનતાપૂર્વક ઇષ્ટ કદની કુટુંબરચના એટલે કુટુંબનિયોજન. કુટુંબનું કદ સીમિત રાખવું એ તેનો મર્યાદિત (નકારાત્મક) હેતુ ખરો, પરંતુ વ્યાપક અર્થમાં પોતાના કુટુંબને સુખ, શાંતિ અને સમૃદ્ધિ બક્ષવાં; માતા તથા સંતાનોને સુર્દઢ સ્વાસ્થ્ય માટેની અદ્યતન સગવડો પ્રાપ્ત થઈ શકે તેવા સંજોગો ઊભા કરવા; સંસ્કારસભર નાગરિકો ઘડાય તે માટે કુટુંબ અને સમાજમાં બાળકોના ઉછેર માટે વાતાવરણ ઊભું કરવું વગેરે તેના અન્ય ઉદ્દેશો છે.

વસ્તી-વિસ્ફોટની સમસ્યાવાળા દેશો માટે એવું સામાન્ય તારણ કાઢવામાં આવ્યું છે કે જો ત્યાં સફળતાપૂર્વક વસ્તીનિયંત્રણ દાખલ કરવામાં આવે તો તેઓ ઝડપી વિકાસ દ્વારા આર્થિક સમૃદ્ધિ અને સુખાકારી પ્રાપ્ત કરી શકશે અને તેમ થતાં તેમની ગરીબી, બેકારી, ભૂખમરો, અલ્પપોષણ અને બાળમૃત્યુના ઊંચા પ્રમાણ જેવી અનેક સમસ્યાઓનો ઉકેલ સાધી શકાશે. વિશ્વના અલ્પવિકસિત દેશો માટે કુટુંબનિયોજન અનિવાર્ય છે.

બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં જાપાને જે વિસ્મયકારક સમૃદ્ધિ અને સુખાકારી હાંસલ કરી છે તેમાં તે દેશની વસ્તીનીતિએ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. વસ્તીના કદની બાબતમાં હાલ વિશ્વમાં ચીનનું સ્થાન સૌથી મોખરે છે (2003 : આશરે 129 કરોડ) અને ત્યાં સામ્યવાદી પક્ષની સરકાર હોવા છતાં રાષ્ટ્રીય સ્તર પર ‘one parent, one child’નું સૂત્ર સ્વીકારવામાં આવ્યું છે; પરિણામે ચીનમાં આજે વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર એક ટકાનો છે. 2003માં ભારતની વસ્તી 106 કરોડથી અધિક થવા પામી છે. તેથી ભારત માટે પણ અતિવસ્તી એ એક જટિલ પ્રશ્ન છે, તેના નિરાકરણ પર દેશની ભાવિ સુખાકારી અવલંબે છે. આ બાબત ધ્યાનમાં લઈને જ ભારતમાં સરકાર દ્વારા કુટુંબનિયોજનની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને તેના અનુસંધાનમાં ઑગસ્ટ 1971માં લોકસભાએ કેટલીક શરતોને અધીન ગર્ભપાતનો કાયદો (Medical Termination of Pregnancy Act, 1971) પસાર કર્યો જે એપ્રિલ 1972માં અમલમાં મૂકવામાં આવ્યો. આ ઉપરાંત સરકારે અન્ય કેટલાંક મહત્ત્વનાં પગલાં લીધાં છે. દા.ત. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલયમાં અલાયદા કુટુંબકલ્યાણ વિભાગની રચના, કેન્દ્રમાં કુટુંબનિયોજન કમિશનર તથા દેશના જુદા જુદા વિભાગો માટે સાત પ્રાદેશિક નિયામકોની નિમણૂક, કુટુંબનિયોજન નીતિ અંગે ઝડપી નિર્ણયો લેવા તથા તેને લગતા કાર્યક્રમોના અસરકારક અમલ માટે વડાપ્રધાનના પ્રમુખપણા નીચે કેન્દ્રીય મંત્રીમંડળની ખાસ પેટા સમિતિની રચના, કેન્દ્રના સ્વાસ્થ્ય  તથા કુટુંબકલ્યાણ મંત્રીના પ્રમુખપણા નીચે સેન્ટ્રલ ફૅમિલી વેલફેર કાઉન્સિલની રચના, કુટુંબનિયોજન કાર્યકરો તથા કર્મચારીઓને તાલીમ આપવા માટે 5 કેન્દ્રીય તાલીમસંસ્થાઓ તથા 42 પ્રાદેશિક તાલીમ કેન્દ્રોની સ્થાપના, વસ્તીનિયંત્રણના સંશોધનને પ્રોત્સાહન આપવા માટે 6 વસ્તી-સંશોધન કેન્દ્રો તથા 8 ફૅમિલી પ્લાનિંગ કમ્યુનિકેશન રિસર્ચ સેન્ટરની સ્થાપના, અસરકારક તથા નિરુપદ્રવી ગર્ભનિરોધક સાધનોનું નિ:શુલ્ક વિતરણ, પુરુષો તથા સ્ત્રીઓનું વંધ્યીકરણ, જાહેર માધ્યમો દ્વારા કુટુંબનિયોજનનું મહત્ત્વ તથા ઉપયોગિતાનો પ્રચાર, કુટુંબનિયોજન કરનાર સ્ત્રી-પુરુષોને રોકડ ઇનામ તથા અન્ય પ્રોત્સાહનો, દેશના જુદા જુદા વિસ્તારોમાં કુટુંબનિયોજન કેન્દ્રોની સ્થાપના વગેરેનો સમાવેશ થાય છે. 1976માં જાહેર થયેલ રાષ્ટ્રીય વસ્તીનીતિ હેઠળ કાયદા દ્વારા લગ્નની ઓછામાં ઓછી વય છોકરાઓ માટે 21 તથા છોકરીઓ માટે 18 નિર્ધારિત કરવામાં આવી છે. નવી દિલ્હી ખાતેની ‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલફેર’ સંસ્થા સ્વાસ્થ્ય અને કુટુંબકલ્યાણ કાર્યક્રમો માટે ટોચની તકનિકી સંસ્થા તરીકે કાર્ય કરે છે. વિશ્વમાં ભારત કદાચ પહેલો દેશ છે જ્યાં કુટુંબનિયોજન ઝુંબેશ સરકારી રાહે ચલાવવામાં આવે છે; એટલું જ નહિ પરંતુ તેને આર્થિક આયોજનના ભાગ તરીકે વણી લેવામાં આવેલ છે.

કુટુંબનિયોજન ઝુંબેશ હેઠળ સરકારે લીધેલાં વિવિધ પગલાંને લીધે દેશમાં તે માટે અત્યંત ઉપયોગી પાયાની વ્યવસ્થા (infrastructure) ઊભી થઈ છે, પ્રજાના વિવિધ વર્ગોમાં સીમિત તથા સુયોજિત કુટુંબની રચના પ્રત્યે સભાનતા વધી છે, ગર્ભનિરોધક સાધનો લોકપ્રિય બન્યાં છે, તથા જન્મદર 1000 દીઠ 26 (1999-2000) જેટલો મર્યાદિત કરવામાં દેશને સફળતા મળી છે. (1950-51 = 42)

કુટુંબનિયોજન જેવા કાર્યક્રમોની સાચી સફળતા તો તે અંગેના લોકોના વિધેયાત્મક પ્રતિભાવ પર અવલંબે છે અને તે માટે સમગ્ર દેશમાં નિરક્ષરતાનિવારણ ઝુંબેશ, કુટુંબનિયોજન અંગેની વૈજ્ઞાનિક સમજ, પતિ-પત્ની વચ્ચે સંપૂર્ણ સંમતિ, સુખી અને પ્રગતિશીલ વૈવાહિક જીવન માટેની ઝંખના, ગર્ભનિરોધ અને નિવારણ માટેનાં વૈજ્ઞાનિક સાધનોનો વ્યાપક ઉપયોગ, સ્ત્રી-કેળવણીનો ફેલાવો, જાતીય જ્ઞાનનો પ્રસાર વગેરે બાબતો અંગે સંકલિત તથા સમાંતર વ્યૂહરચનાના અમલની જરૂર પર ભાર મુકાય છે. ભારતમાં કુટુંબનિયોજનની સફળતા પર દેશની અન્ય ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓનું નિરાકરણ અવલંબે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે