કુટુંબકલ્યાણ કાર્યક્રમ

January, 2008

કુટુંબકલ્યાણ કાર્યક્રમ : વસ્તીનિયંત્રણ તથા સમગ્ર કુટુંબના કલ્યાણને લક્ષમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલો ભારત સરકારનો કાર્યક્રમ. ભારતમાં આઝાદીની પ્રાપ્તિ બાદ લોકકલ્યાણ માટે પંચવર્ષીય યોજનાઓ દ્વારા વિવિધ વિકાસ કાર્યક્રમો હાથ ધરાયા છે. 1952થી વિકાસ કાર્યક્રમોમાં સરકારે રાષ્ટ્રીય સ્તરે કુટુંબનિયોજન કાર્યક્રમ હાથ ધર્યો હતો. આ સમયે દેશમાં વ્યાપક નિરક્ષરતા, વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો અને ધાર્મિક માન્યતાઓની જબ્બર પકડ વચ્ચે લોકો જીવતા હતા. પરિણામે વસ્તીનિયંત્રણના એક હેતુસર શરૂ થયેલા આ કાર્યક્રમને તે સમયે જોઈએ તેટલો આવકાર મળ્યો નહોતો. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલા વીસસૂત્રી કાર્યક્રમમાં આ કાર્યક્રમને સ્થાન આપ્યું હતું. કુટુંબનિયોજન કાર્યક્રમના પ્રથમ દાયકામાં વસ્તીનિયંત્રણના પાયા તરીકે ક્લિનિકલ અભિગમ અપનાવવામાં આવ્યો હતો. વિકસિત દેશોની જેમ લોકો કુટુંબનિયોજન કેન્દ્રમાં જાતે જઈ સલાહ અને સેવા મેળવે તેવો આ અભિગમ હતો. આ અભિગમના અમલ માટે જરૂરી જનજાગૃતિ પણ ન હતી. પરિણામે પ્રથમ દાયકામાં આ કાર્યક્રમ મંદ ગતિએ ચાલતો હતો. બીજા દાયકામાં કાર્યક્રમને વેગવંત બનાવવા માટે વિસ્તરણ, શિક્ષણ અને સેવાનો અભિગમ અપનાવ્યો હતો. પરિણામે કેન્દ્ર, રાજ્ય, જિલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેનાં પેટા કેન્દ્રો સુધી કુટુંબનિયોજન સંબંધી શિક્ષણ અને સેવા આપવાનું તંત્ર ઊભું કરવામાં આવ્યું. આ દાયકામાં લોકોને શિક્ષણ સાથે સેવા આપતાં, આરોગ્યના જતન માટે કુટુંબનિયોજનનો સ્વીકાર કરવો એવી ભાવના અને જાગૃતિ ઉદભવી હતી. કુટુંબમાં ઓછાં બાળકો હોવાં જરૂરી છે એ જાગૃતિ પણ આ બીજા દાયકામાં આવતાં આ કાર્યક્રમ પ્રથમ દાયકા કરતાં વધુ વેગવંત બન્યો હતો.

કુટુંબનિયોજન કાર્યક્રમને વધુ લોકપ્રિય બનાવવાની આવશ્યકતા જણાતાં ત્રીજા દાયકામાં એક નવો જ અભિગમ અપનાવવામાં આવ્યો. આ અભિગમમાં કુ.નિ. કાર્યક્રમ સાથે માતૃ-બાળકલ્યાણ સેવા, રોગપ્રતિકારક રસી કાર્યક્રમ અને પોષક આહાર કાર્યક્રમને સંકલિત કરવામાં આવ્યા. પરિણામે માતા અને બાળકોના આરોગ્યના જતનની વિશેષ કાળજી લેવામાં આવી. સરકારે કુટુંબનિયોજન કાર્યક્રમ જે માત્ર કુટુંબના એક પાસાને જ સ્પર્શ કરતો હતો તેને વિસ્તૃત કરી સમગ્ર કુટુંબને સ્પર્શ કરતો બનાવ્યો; એટલું જ નહિ પણ ‘કુટુંબકલ્યાણ કાર્યક્રમ’નું નવું નામાભિધાન કરી લોકોના કલ્યાણની ભાવના વધુ ઉત્કૃષ્ટ બનાવી.

કુટુંબકલ્યાણ કાર્યક્રમનું ધ્યેય રાષ્ટ્રીય કલ્યાણની રક્ષા અને નાના કુટુંબની ખાતરી આપવાનું છે. રાષ્ટ્રના પ્રત્યેક બાળકના આરોગ્યના જતન માટે તથા પ્રત્યેક કુટુંબ માટે આ કાર્યક્રમ મહત્વનો બન્યો છે. કુટુંબના કદને મર્યાદિત બનાવતા આ કાર્યક્રમમાં શસ્ત્રક્રિયા (સ્ત્રી અને પુરુષ નસબંધી) ઉપરાંત આંકડી, નિરોધ તથા મોં દ્વારા લેવાની ગર્ભનિરોધક ગોળીઓ વિના મૂલ્યે દરેક પ્રા. આ. કેન્દ્ર, પેટા કેન્દ્ર તથા સરકારી હૉસ્પિટલમાં મળે છે. આ કાર્યક્રમને લોક આંદોલન સ્વરૂપે લોકો ઉપાડી લે તે માટે વિવિધ શ્રેણીબદ્ધ પગલાં અમલમાં મુકાયેલાં છે. કાર્યક્રમના નિરીક્ષણ અને જરૂરી માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યમાં મંત્રીકક્ષાએ જિલ્લાઓની ફાળવણી કરાયેલી છે. કાર્યક્રમની સમીક્ષા માટે મંત્રીકક્ષાની એક પેટા સમિતિ પણ રચાયેલી છે. રાજ્ય કુટુંબ કલ્યાણ કાઉન્સિલની રચના અને વિવિધ કક્ષાએ મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી, પંચાયતમંત્રી વગેરેએ ટોચના પદાધિકારીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખો, મ્યુનિ. કૉર્પો.ના મેયરો, નગરપાલિકાના પ્રમુખો, જિલ્લા વિકાસ અધિકારીઓ, કલેક્ટરો ઇત્યાદિની મિટિંગોમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ ઉપરાંત સરકારે પોતાના ભંડોળમાંથી વધુ પુરસ્કાર આપવાની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

કુટુંબકલ્યાણ કાર્યક્રમમાં મળેલી સફળતાનાં મુખ્ય કારણો આ મુજબ તારવી શકાય : (1) ઘનિષ્ઠ પ્રચાર અને શિક્ષણ-કાર્યક્રમ, (2) રાજકીય પક્ષોનું સાનુકૂળ વલણ અને સક્રિય સહયોગ, (3) ત્રિસ્તરીય પંચાયતી રાજની સંસ્થાઓનો ફાળો, (4) લોક આગેવાનો, સામાજિક, સહકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો, (5) રાજ્ય સરકારના સ્વભંડોળમાંથી પુરસ્કાર, ઇનામ તથા ઍવૉર્ડ આપવાની યોજનાઓ, (6) સ્ત્રીનસબંધી માટે વધુ સગવડ તથા લેપ્રોસ્કોપીની નવી પદ્ધતિથી સ્ત્રીનસબંધી, (7) કામગીરીનું વિવિધ સ્તરે સતત નિરીક્ષણ, સમીક્ષા અને મૂલ્યાંકન, (8) કુટુંબનિયોજન અપનાવનારનો યોગ્ય ફૉલોઅપ તથા પરિવર્તન-પ્રણેતા (motivator) તરીકે ઉપયોગ, (9) માતૃ-બાળકલ્યાણની ઘનિષ્ઠ સેવા તથા (10) ગામ આરોગ્ય સ્વયંસેવકોનું વિશિષ્ટ પ્રદાન. આ કાર્યક્રમ દ્વારા 2000ની સાલમાં સૌને માટે આરોગ્ય સુવિધાઓ સુલભ બનાવવાનું તથા જીવનધોરણ ઊંચું લાવવાનું ધ્યેય પૂરું પડે તે માટે ક્રિયાશીલ રહેવાની સ્થિતિ સર્જાયેલી છે.

સી. એ. દેસાઈ