કુટુંબ : લગ્ન, રક્ત સંબંધ કે દત્તક સંબંધ પર આધારિત પરસ્પર હકો અને ફરજો ધરાવતાં સ્ત્રી-પુરુષ-બાળકોનું જૂથ. સમાજમાં કેન્દ્રગત સ્થાન ધરાવતી, બધા જ સમાજોમાં દૃષ્ટિગોચર થતી સાર્વત્રિક છતાં અનેકવિધ સ્વરૂપે જોવા મળતી આ સામાજિક સંસ્થા છે. વ્યક્તિ કુટુંબના પ્રવેશદ્વાર દ્વારા જ સમાજમાં પ્રવેશે છે. મોટાભાગની વ્યક્તિઓનાં કુટુંબ તરફની વફાદારી ને કર્તવ્ય આજીવન ટકતાં હોય છે. વ્યક્તિને ઓળખ તથા સામાજિક સ્થાન કુટુંબ જ અર્પે છે. મનુષ્યપ્રાણી તરીકે જન્મતા માનવબાળને તે સામાજિક માનવ બનાવે છે એટલે કે સમાજનાં જ્ઞાન, મૂલ્યો, મહત્વપૂર્ણ ભૂમિકાઓ તથા દરજ્જાની તાલીમ આપવામાં પાયાગત ભાગ ભજવે છે. મર્યાદિત કદ તથા સભ્યો વચ્ચે ગાઢ વાત્સલ્ય ને પ્રેમના ભાવનાત્મક કે લાગણીભર્યા સંબંધોનું વાતાવરણ સમાજીકરણ માટે મહત્ત્વનું હોય છે. તેથી વ્યક્તિના વિકાસમાં તેનો ફાળો અગત્યનો હોય છે.
કુટુંબ તેના સભ્યોની શારીરિક-માનસિક જરૂરિયાતોને સતત સંતોષે છે અને બાહ્ય જગતના સંપર્કમાં કે અન્યથા નિર્માણ થતાં ભગ્નાશા તથા તાણ-તનાવના સમયે સાંત્વન ને હૂંફ આપે છે.
સમાજનાં સ્ત્રી-પુરુષો માટે નિશ્ચિત અને સતત સ્વરૂપે જાતીયવૃત્તિ(sex)ને સંતોષવાની તે જોગવાઈ કરે છે. સમાજના સાતત્યના સફળ સંચાલન માટે મહત્ત્વનાં કાર્યો એકસાથે કુટુંબવ્યવસ્થા કરતી હોઈ તે સમાજની કેન્દ્રસ્થ અને પાયાગત વ્યવસ્થા છે. ચીન-રશિયા જેવા સામ્યવાદી કે ઇઝરાયલ જેવા સમાજોએ સામૂહિક જીવન પ્રસ્થાપિત કરવામાં તથા અંગત મિલકત નાબૂદ કરવામાં બાધારૂપ દેખાતી કુટુંબવ્યવસ્થાને દૂર કરવા પ્રયાસો કર્યા હતા, તેમ છતાં આ સમાજોમાં પણ સામાજિક વ્યવસ્થા તરીકે અનિવાર્ય રીતે કુટુંબ ટકી રહ્યું છે.
કુટુંબનું સ્વરૂપ : કુટુંબનાં મુખ્યત્વે બે સ્વરૂપો છે – કેન્દ્રસ્થ (conjugal કે nuclear) અને વિસ્તૃત કે સંયુક્ત (joint કે extended). પશ્ચિમના સમાજોમાં સવિશેષ રૂઢ થયેલ કેન્દ્રસ્થ કુટુંબ પતિ-પત્ની અને તેમનાં અપરિણીત આશ્રિત સંતાનોનું બનેલું હોય છે. આટલાં સંબંધીઓ કૌટુંબિક હક અને ફરજોથી બંધાયેલાં હોય છે. અહીં પતિ અને પત્નીનાં પરસ્પરનાં તેમજ માતા-પિતા અને સંતાનોનાં પરસ્પરનાં ભૂમિકા ને દરજ્જા મહત્ત્વનાં હોય છે. આવા કુટુંબમાં લગ્ન બાદ પતિ-પત્ની નવું અલાયદું ઘર રચી સહનિવાસ કરે છે. આ વ્યવસ્થામાં લગ્નસાથીની પસંદગીમાં યુવકો-યુવતીઓને ઠીક ઠીક સ્વાતંત્ર્ય હોય છે.
વિસ્તૃત કે સંયુક્ત કુટુંબમાં, કેન્દ્રસ્થ કુટુંબના સભ્યો ઉપરાંત માતાપિતા અને ઘણુંખરું લોહીની સગાઈવાળી અન્ય વ્યક્તિઓનો સગાંમાં સમાવેશ થતો હોય છે. આ બધાં સભ્યો સહનિવાસ કરે છે તથા કૌટુંબિક હકો-ફરજોથી બંધાયેલાં હોય છે. તેના મુખ્ય બે પ્રકારો જોવા મળે છે : માતૃપ્રધાન અને પિતૃપ્રધાન સંયુક્ત કુટુંબ. પિતૃપ્રધાન સંયુક્ત કુટુંબ મોટાભાગની પ્રાચીન સંસ્કૃતિઓમાં તેમજ ઐતિહાસિક સમાજોમાં જોવા મળે છે, જ્યારે માતૃપ્રધાન સંયુક્ત કુટુંબવ્યવસ્થા મર્યાદિત સમાજો-આદિવાસીઓમાં જોવા મળે છે, જેમ કે ભારતમાં ગારો, ખાસી ને નાયર સમાજોમાં માતૃપ્રધાન કુટુંબવ્યવસ્થા છે.
પિતૃપ્રધાન કુટુંબમાં કુટુંબનો મુખ્ય કર્તા કે વહીવટ કરનાર તેનો સૌથી વડીલ પુરુષ ગણાય છે. તેની સત્તા નીચે સર્વ સભ્યોનું કુટુંબજીવન ચાલતું હોય છે. તે પિતૃસ્થાની, પિતૃવંશી તેમજ પિતૃસત્તાક હોય છે. લગ્ન બાદ પુરુષ પોતાની પત્ની સાથે પોતાના જન્મપ્રાપ્ત કુટુંબમાં જ રહે છે. કુટંબનાં નામ, વંશ, વારસો, સગપણ ઇત્યાદિ પિતા કે પુરુષ પક્ષે ઓળખાતાં હોય છે. આમ પિતૃપ્રધાન કુટુંબ પુરુષના વર્ચસવાળું હોય છે. સ્ત્રીવર્ગ અધીન, અવલંબિત ને રક્ષિત ગણાય છે. તેનું કાર્યક્ષેત્ર ઘરનાં કામો પૂરતું મર્યાદિત ગણાય છે. આથી આધુનિક વાદો અને વિચારસરણીઓ સ્ત્રી-પુરુષ પરત્વે સમાનતામૂલક સમાજવ્યવસ્થા સ્થાપવામાં પુરુષપ્રધાન, પિતૃસત્તાક, પિતૃવંશી કે પિતૃસ્થાની કુટુંબમાં આમૂલ પરિવર્તન માગે છે.
માતૃપ્રધાન કુટુંબમાં કુટુંબનું રહેઠાણ, નામ, વંશવારસની ગણના તથા સત્તાસંચાલન સ્ત્રી કે માતા પક્ષે હોય છે. લગ્ન બાદ સ્ત્રી, તેનો પતિ તથા તેનાં સંતાનો, સ્ત્રીના જન્મપ્રાપ્ત કુટુંબમાં કે તેની નજીકમાં રહે છે.
આધુનિક સમયમાં ઉદ્યોગીકરણ, શહેરીકરણ, નવા માનવવાદો તથા લોકશાહી મૂલ્યોની અસર તળે આ બધી કુટુંબવ્યવસ્થાઓમાં પરિવર્તનો આવી રહ્યાં છે. વિલિયમ ગુડ દર્શાવે છે તેમ દુનિયાભરના સમાજો કેન્દ્રસ્થ કુટુંબની દિશામાં પરિવર્તન પામી રહ્યા છે.
ઉષા કાન્હેરે