કુકી, એન્ઝો (Cuchhi, Enzo) (જ. 14 નવેમ્બર 1949, એડ્રિયાટિક સમુદ્રકાંઠે આન્કોના, ઇટાલી) : અનુઆધુનિક ઇટાલિયન ચિત્રકાર. અન્ય બે ચિત્રકારો ફ્રાન્ચેસ્કો ક્લૅમેન્તી અને સાન્દ્રો કિયા સાથે તેની ગણના ઇટાલીના ત્રણ પ્રમુખ અનુઆધુનિક ચિત્રકારોમાં થાય છે, જે ‘થ્રી સી’ નામે ઓળખાય છે. ખેડૂત પરિવારમાં જન્મેલ કુકીએ વતનની ધરતીમાંથી જ પ્રેરણા મેળવી ચિત્રો કર્યાં છે. ખેતરોમાં લહેરાતા પાક, કૂકડા, ઘાસના પૂળા, નીરણ સાચવવાનાં છાપરાં તેમનાં ચિત્રોમાં વારંવાર નજરે ચઢે છે. ધરતીકંપ અને સરકતી જમીનને પણ તેમણે ચિત્રનો વિષય બનાવ્યાં છે. ભૂતાવળ અને માનવખોપરીની આકૃતિઓનો પણ તેઓ પોતાનાં ચિત્રોમાં વિનિયોગ કરે છે. કુકી એડ્રિયાટિક સમુદ્રકાંઠો છોડી પ્રવાસ કરવાનું પસંદ કરતા નથી. 1983 પછી તેમણે કલ્પના-પ્રધાન ચિત્રો ચીતર્યાં છે; જેમાં ખુલ્લા આકાશ નીચે સમુદ્રકિનારે મોજાંઓનાં ફીણમાં પડેલ પિયાનો જેવાં કલ્પન નજરે પડે છે.
અમિતાભ મડિયા