કુઈની રિનૂજા (જ. 23 જાન્યુઆરી 1919; અ. 18 ડિસેમ્બર 2015) : મેઘાલયનાં જાણીતાં-માનીતાં સમાજસેવિકા.
પિતાનું નામ જોર્જ ડુન્ન ને માતાનું નામ ચિએડ રંગડ. પ્રાથમિક શિક્ષણ પાઇન માઉન્ટ સ્કૂલમાં લીધું. વેલ્સ મિશન કન્યા હાઈસ્કૂલમાંથી 1936માં મૅટ્રિક થયાં. કલકત્તા યુનિવર્સિટીમાંથી 1938માં ઇન્ટર મિડિયેટ આર્ટ્સ કર્યું. એમણે પાઇન માઉન્ટ સ્કૂલ’માં અધ્યાપિકા તરીકે કાર્ય કર્યું અને 1977માં આ વિદ્યાલયમાંથી મુખ્ય પ્રાધ્યાપિકાના પદેથી સેવાનિવૃત્ત થયાં. સેવાનિવૃત્તિ બાદ એમણે પૂર્ણકાલીન સમય સમાજસેવાનું કાર્ય શરૂ કરેલું. આ સમયે તેઓ ચાર સંગઠનોનાં અધ્યક્ષ અને ભારત સ્કાઉટ્સ ઍન્ડ ગાઇડ્સનાં ઉપાધ્યક્ષ પણ રહેલાં. આ સંગઠનો મારફત તેઓ ગ્રામીણ ક્ષેત્રોમાં શિશુસદન, પૂર્વપ્રાથમિક વિદ્યાલય અને ક્લિનિક ચલાવતાં હતાં, તેમજ મહિલાઓના આર્થિક ઉપાર્જનમાં સહાય થાય તે માટે સિલાઈ અને ભરતગૂંથણ માટે પ્રશિક્ષણ કેન્દ્રો ચલાવતાં હતાં. જાગરૂકતા કાર્યક્રમોનું પણ આયોજન કરતાં, જેમાં મહિલાઓને જંગલોનું મહત્ત્વ સમજાવી, ઝાડોના કાપવાથી પર્યાવરણ અને જળસંરક્ષણક્ષેત્રે શું અસર પડે છે વગેરે સમજાવતાં. આ કાર્યક્રમોની સાથોસાથ સમાજના ગરીબ લોકો અને મહિલાઓની પ્રશંસનીય સેવા પણ કરતા.
સમાજકલ્યાણની વિવિધ સેવાઓ માટે 1992માં સામાજિક કાર્ય માટે ‘સ્ટેટ ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યાં. 1995 બેઇજિંગમાં ચોથા વિશ્વ મહિલા સંમેલનમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી. 2001માં ભારત સ્કાઉટ્સ ઍન્ડ ગાઇડ્સે તેમને મેડલ ઑફ મેરિટ’થી સન્માનિત કર્યાં હતાં. ભારત સરકારે 2004માં પદ્મશ્રીથી સન્માનિત કર્યાં હતાં.
કનુભાઈ શાહ
