કુઇપરનો પટ્ટો (Kuiper Belt) : સૂર્યની ગ્રહમાળામાં નેપ્ચૂનની પેલે પાર અનેક નાનામોટા બરફીલા ખડકોના પિંડોનો સૂર્ય ફરતે આવેલો વલયાકાર પટ્ટો.
1940 અને 1950ના દાયકાઓમાં ખગોળવિજ્ઞાનીઓ કેન્નેથ એડ્જવર્થે (Kenneth Edgeworth) અને જેરાર્ડ કુઇપરે (Geroard Kuiper) એવું પૂર્વસૂચિત કરેલું કે નેપ્ચૂન ગ્રહની કક્ષાની પેલેપાર નાનામોટા બરફીલા ખડકોનો ભંડાર હોય તેવો સૂર્યને વીંટળાતો એક વલયાકાર પટ્ટો આવેલો છે. આ ખડકો પૈકી ઘણા ટૂંકા પરિભ્રમણ-કાળ ધરાવતા ધૂમકેતુઓ બન્યા હતા. તેઓ 200 વર્ષો કે તેથી ઓછા ગાળામાં સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરતા હતા.
1930માં શોધાયેલ પ્લૂટો કુઇપર પટ્ટાનો પિંડ છે. જોકે તે પાછળથી નક્કી થયું. તેની શોધ પછી પ્રથમ 1992માં ખગોળવિજ્ઞાનીઓ જેન લુઊ (Jane Luu) અને ડેવિડ જેવિટ્ટે કુઇપર પટ્ટાનો પિંડ શોધ્યો. તે પછી બે અબજ માઈલ પહોળો એડેજવર્થ-કુઇપર પટ્ટો જેને ટૂંકમાં કુઇપર પટ્ટો કહેવામાં આવે છે તેમાં 800થી પણ વધારે પિંડો શોધ્યા. તેમાં થોડા ખૂબ જ મોટા પ્લૂટો(કે જે 1430 માઈલ પહોળો છે)ના પોણા ભાગ જેટલા મોટા પિંડોનો સમાવેશ થાય છે. ત્રીસ માઈલ પહોળાઈના ઓછામાં ઓછા 1,00,000 પિંડો આ પટ્ટામાં હોવાની સંભાવના છે.
કુઇપર પટ્ટાના પિંડો એટલે કે Kuiper Belt Objectને ટૂંકમાં KBO કહે છે. તેના ત્રણ પ્રકાર છે.
તેમાંના એકને પરંપરાગત કુઇપર પટ્ટાના પિંડ (classical Kuiper Belt objects) કહેવાય છે. તેઓ સૂર્ય ફરતે 3.9 અબજ માઈલથી 4.5 અબજ માઈલ અંતરે પરિભ્રમણ કરે છે.
બીજાને અનુનાદ કુઇપર પટ્ટાના પિંડ (Resonance Kuiper Belt Objects) કહેવાય છે. તે નેપ્ચૂન સાથે સમક્રમિક હોય છે. પ્લૂટો સૂર્ય ફરતે બે પરિભ્રમણ કરે છે તે દરમિયાન નેપ્ચૂન ત્રણ કરે છે. આવા આર કે બીઓ પૈકી વીસ ટકાનાં પરિભ્રમણ 2 : 3 માલૂમ પડ્યા છે, તેમને ‘પ્લૂટિનો’ કહે છે.
ત્રીજા પ્રકારના વિખેરિત કુઇપર પટ્ટાના પિંડો (scattered Kuiper Belt Objects) કહેવાય છે. તેમની કક્ષા અતિ ઉત્કેન્દ્રી અને ત્રાંસી હોય છે. સૂર્યથી તે 3.3 અબજ માઈલથી લગભગ 100 અબજ માઈલ દૂર હોય છે. તેઓ આટલી દૂર-સુદૂર કક્ષામાં નેપ્ચૂનના ગુરુત્વાકર્ષણથી ફેંકાયા હતા. કુઇપર પટ્ટો સૂર્યથી 30થી 100 ખગોળીય એકમ દૂર છે. અલબત્ત, કુઇપર પટ્ટાનું અસ્તિત્વ આયર્લૅન્ડના વૈજ્ઞાનિક કેન્નેથ એડ્જવર્થે 1949માં અને ડચ-અમેરિકન પ્રોફેસર જેરાર્ડ કુઇપરે 1951માં અલગ અલગ રીતે પૂર્વસૂચિત કર્યું હતું; પરંતુ ખરેખર તો 1992માં યુનિવર્સિટી ઑવ્ હવાઈના પ્રોફેસર ડેવિડ જેવિટ અને હાર્વર્ડ યુનિવર્સિટીના જેન લુઊએ જે અંતરે કુઇપર પટ્ટાનું અસ્તિત્વ ધારવામાં આવેલ તે અંતરે 150 માઈલ પહોળાઈનો એક પિંડ 1992 QB 1 શોધી કાઢ્યો. ત્યારબાદ ટૂંકા ગાળામાં લગભગ તેવડા બીજા કેટલાક પિંડો શોધાતાં કુઇપર પટ્ટાની શોધ સાચી સાબિત થઈ.
અમેરિકાની અવકાશી સંશોધનસંસ્થા ‘નાસા’એ પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરતા હબ્બલ અવકાશી દૂરબીનની મદદથી પ્લૂટો કરતાં અડધો પિંડ (2002 LM60) શોધી કાઢ્યો. તેનું તત્કાલીન નામ કવાહ-ઑ-વાહ્ર (Qvaoar) તેના શોધકોએ રાખ્યું. 21મી ઑક્ટોબર 2003ના રોજ જોવા મળેલ અને 8મી જાન્યુઆરી 2005ના રોજ જેની ખરાઈ થઈ તેવો પ્લુટોમ પણ દોઢગણો મોટો કુઇપર પટ્ટાનો પિંડ 2003 UB 313 ખગોળવિજ્ઞાની માઇકલ બ્રાઉન અને તેના સહકાર્યકરો શોધતાં ખળભળાટ મચી ગયો. તેનું અધિકૃત નામ ઇરિસ રાખવામાં આવ્યું, પરંતુ તેને દશમા ગ્રહ તરીકે ગણવા દબાણ વધતાં, આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘને ‘ગ્રહ’ને ‘વ્યાખ્યાયિત કરવા ફરજ પડી. પરિણામે પ્લુટોનું ગ્રહપદ પાછું ખેંચાયુ અને સૌરમંડળમાં નવમાંથી આઠ ગ્રહ થયા.
વિહારી છાયા