કુંભ (રાશિ) (Aquarius) : ત્રીજા વર્ગના ઝાંખા તારાઓની બનેલી રાશિનો એક ઘણો મોટો વિસ્તાર. તેમાં અનેક યુગ્મ, ત્રિક અને રૂપવિકારી તારા આવેલા હોવાને કારણે પાણીનો ભાસ ઉત્પન્ન થાય છે. ड કુંભ (λ), શતતારા નક્ષત્ર છે, જેમાં થઈને ક્રાંતિવૃત્ત પસાર થાય છે. NGC 7293, NGC 7089 અને NGC 7009 કુંભની ખાસ વિશેષતાઓ છે. NGC 7293 વિશ્વની સૌથી મોટી, સૌથી વધુ તેજસ્વિની, મહાકાય ગ્રહરૂપ અનુપમ નિહારિકા છે. આ વિરાટ નિહારિકાને ઉજાળનાર, કેન્દ્રસ્થ પરમ વિશિષ્ટ તારાનું તાપમાન 1,30,000o સે. છે. NGC 7089 (M2) સઘન તારાગુચ્છોમાં શિરમોર છે. આ ખૂબ મોટો, તેજસ્વી ભવ્ય તારાગુચ્છ છે જે મુખ્યત્વે ગરમ તારાઓનો બનેલો છે, પણ પૃથ્વીથી તે 50,000 પ્રકાશવર્ષ દૂર આવેલો હોવાથી તેનું દર્શન અઘરું છે. NGC 7009 અત્યંત ચમકદાર નીલવર્ણી નિહારિકા છે, જે રૂપસામ્યને કારણે શનિ નિહારિકાના નામે ઓળખાય છે. કુંભ રાશિમાં ઉલ્કાવર્ષાનાં બે સ્થાન આવેલાં છે : એક છે घ કુંભ અને બીજું છે ज કુંભ. એમાંથી અનુક્રમે ઑગસ્ટ અને મે માસમાં ઉલ્કાઓ ખરતી હોય છે.
છોટુભાઈ સુથાર