કુંદમાલા (પાંચમી સદી ?) : સંસ્કૃત નાટ્યકૃતિ. તેના કર્તા તથા સમય અંગે વિભિન્ન મતો પ્રવર્તે છે.
‘કુંદમાલા’નું સૌપ્રથમ પ્રકાશન 1923માં મદ્રાસથી થયું હતું. તે સમયે જ તેના રચયિતા અંગે ઊહાપોહ જાગ્યો હતો. તેના પ્રથમ સંપાદકો રામકૃષ્ણ કવિ તથા રામનાથ શાસ્ત્રી ‘કુંદમાલા’ના કર્તા તરીકે દિઙ્નાગનો ઉલ્લેખ કરે છે, જે બૌદ્ધ નૈયાયિક તથા કાલિદાસના પ્રતિસ્પર્ધી હતા. ‘કુંદમાલા’નું કર્તૃત્વ દિઙ્નાગ, ધીરનાગ, વીરનાગ, નાગય્ય અને રવિનાગ એમ અનેકોને નામે ચડાવાય છે. મહદંશે દિઙ્નાગને તેના કર્તા તરીકે સ્વીકારવામાં આવે છે. જોકે આ ‘કુંદમાલા’ કાર દિઙ્નાગ તે પ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક દિઙ્નાગ હશે કે કેમ તે નિશ્ચિત નથી કહી શકાતું. દિઙ્નાગ નામે એક કવિ થઈ ગયા જે નાટ્યકાર પણ હોવા સંભવ છે અને તેમણે ‘કુંદમાલા’ની રચના કરી હોય.
‘કુંદમાલા’નો રચનાકાળ પણ નિશ્ચિત નથી. આ નાટકના પ્રથમ સંપાદકો તેને પાંચમી સદીના પ્રારંભમાં મૂકે છે. ‘કુંદમાલા’માં લવકુશ સીતાના પરિત્યાગ સુધીની વાત જ રજૂ કરે છે.
‘ઉત્તરરામચરિત’ અને ‘કુંદમાલા’ વચ્ચેનું સામ્ય અત્યંત સ્ફુટ હોવા છતાં ‘કુંદમાલા’કારની શૈલીગત લાક્ષણિકતાઓ અને પ્રાસાદિકતા તેની પ્રાચીનતા સિદ્ધ કરે છે. રામાયણના પ્રક્ષિપ્ત ગણાતા અંશો – સીતાત્યાગ અંગેનો જનાપવાદ, સીતાની અગ્નિપરીક્ષા તથા રામાયણનો સુખદ અંત વગેરે વિગતો ખાસ પ્રચલિત નહિ હોય તેવા સમયે ‘કુંદમાલા’કાર થયા હશે, જ્યારે ભવભૂતિ તે બધી વિગતોથી સુપરિચિત જણાય છે. ટૂંકમાં ‘કુંદમાલા’કાર ભવભૂતિના પુરોગામી હોવાનું વધારે યુક્તિયુક્ત લાગે છે.
રામાયણ ઉપર આધારિત ‘કુંદમાલા’નું કથાનક છ અંકોમાં વિભાજિત છે. નાટકની સ્થાપનામાં સૂત્રધાર કલાત્મક રીતે સંક્ષેપમાં પ્રથમ અંકના પ્રથમ પ્રવેશનો ખ્યાલ આપે અને આ કૃતિ અત્યંત કરુણ છે તે પણ સૂચવી દે છે.
સીતા રાવણને ત્યાં લાંબો સમય રહી હોવાથી લોકાપવાદનો ભય રામને વ્યથિત કરે છે અને ગર્ભિણી સીતાનો પરિત્યાગ કરવા તેમને પ્રેરે છે એ વિગત સ્થાપનામાં જ સૂચવાઈ ગઈ છે. તે પછી પણ ટૂંકા ને અર્થપૂર્ણ પ્રવેશકોમાં જરૂરી વિગતો આપી ‘કુંદમાલા’કારે મુખ્ય ર્દશ્યોની અસરને વધુ સચોટ અને માર્મિક બનાવવાનો પ્રયાસ કર્યો છે. નાટકનું સંવિધાન કલાત્મક ને અસરકારક છે.
રામ વડે ત્યજાયેલી ગર્ભિણી સીતાની સંભાળ લેવાનું લક્ષ્મણ વનપ્રદેશ અને ગંગાજીને સોંપે છે. વાલ્મીકિ તેને જ્યારે પોતાની સાથે લઈ જાય છે ત્યારે સાંગોપાંગ પ્રસવ થઈ જશે તો રોજેરોજ હાથે ગૂંથેલી કુંદમાલા અર્પવાનું સીતા ભાગીરથીને જણાવે છે. આ કુંદમાલા જ આગળ જતાં રામને સીતા જીવિત છે તેની પ્રતીતિ કરાવવામાં નિમિત્ત બને છે. વાલ્મીકિના આશ્રમમાં અર્દશ્ય સીતાની છાયા તળાવમાં પડેલી જોઈને રામને તે જીવંત છે એવો ઇશારો મળે છે. છાયાસીતાનો આ પ્રયોગ ખૂબ અસરકારક છે. એક વાર ત્યજી દીધેલ સીતાનું રામ સાથે પ્રતીતિકર મિલન સધાય એ જ નાટ્યકારનું લક્ષ્ય જણાય છે, જે નાટક સુખાન્ત હોવાની નાટ્યશાસ્ત્રની પ્રણાલિકાને અનુરૂપ છે.
‘કુદમાલા’કારની શૈલી ખૂબ સરળ ને સ્વાભાવિક છે. જીવનનાં રહસ્યો તે ખૂબ સાદી છતાં સચોટ રીતે નિરૂપે છે. તેમના સંવાદો સરળ અને ટૂંકાં વાક્યોમાં અને ભાવસભર શૈલીમાં રજૂઆત પામે છે, જે પાત્ર અને પ્રસંગનો વિકાસ સાધવામાં મદદરૂપ બને છે. લક્ષ્મણ સીતા તથા લવ અને કુશનાં પાત્રો અવિસ્મરણીય છે.
તપસ્વી નાન્દી