કુંથુનાથ : જૈનોના 24 તીર્થંકરો પૈકીના સત્તરમા તીર્થંકર. હસ્તિનાપુરના રાજા શૂરસેન કે સૂર્ય તેમના પિતા અને શ્રીકાન્તા કે શ્રીદેવી તેમનાં માતા. કૃત્તિકા નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. જન્મતાં વાર જ તે ભૂમિ પર સીધા ઊભા રહ્યા તેથી અથવા જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમનાં માતાએ રત્નોનો ઢગલો જોયો તેથી તેમનું નામ કુંથુ પડ્યું. કુંથુ શબ્દની સંસ્કૃતમાં મળતી વ્યુત્પત્તિમાં આ બેય અર્થોના નિર્દેશ છે.

કુંથુનાથ

કુંથુ ચક્રવર્તી સમ્રાટ હતા. સંન્યસ્ત ગ્રહણ કર્યા પછી તે તપોબળે તીર્થંકર થયા અને કુંથુનાથ કહેવાયા. એમનું તીર્થંકર-લાંછન મેષ છે અને જ્ઞાનવૃક્ષ તિલકવૃક્ષ છે. એમના મેષ-લાંછન ઉપરથી, કેટલાક્ધો એમનું પૌરાણિક અગ્નિ સાથે સાધર્મ્ય લાગે છે. અગ્નિ ઐશ્વર્યનો સ્વામી (रत्नधातम्) છે તો કુંથુનાથ પણ ઐશ્ચર્યના સ્વામી મનાયા છે.

બિહારમાંના પારસનાથ પર્વતના સમ્મેતશિખર પર તપસ્યા કરી કુંથુનાથ નિર્વાણ પામ્યા.

નટવરલાલ યાજ્ઞિક