કુંતી : રાજા પાંડુની પત્ની. પાંડવોની માતા. યાદવ રાજા શૂરની પુત્રી. વસુદેવની બહેન. શ્રીકૃષ્ણની ફોઈ. નામ પૃથા. રાજા કુંતીભોજે દત્તક લીધા પછી કુંતી કહેવાઈ. કુંતીભોજે તેને અતિથિસત્કારમાં નિયુક્ત કરી. અતિથિ દુર્વાસાની સમુચિત સેવા કરી. ઋષિ પ્રસન્ન થયા. વશીકરણ-મંત્ર આપ્યો અને કહ્યું : ‘આ મંત્ર વડે તું જે દેવનું આવાહન કરીશ તે દેવના પ્રભાવથી તને પુત્ર થશે.’ મંત્રની પ્રતીતિ માટે કુંતીએ કુતૂહલથી સૂર્યનું આવાહન કર્યું. સૂર્યથી કુંતીને કવચકુંડળયુક્ત પુત્ર કર્ણ થયો. સૂર્યે કુંતીને કન્યાપણું પાછું આપી દોષરહિત કરી, પરંતુ લોકાપવાદના ભયથી કુંતીએ કર્ણને નદીમાં વહાવી દીધો.
કુંતીનાં લગ્ન માટે કુંતીભોજે સ્વયંવર રચ્યો. તેમાં કુંતી પાંડુને વરી.
મૃગયા કરવા ગયેલા પાંડુને ઋષિનો શાપ મળ્યો, ‘રતિક્રીડા કરતાં તારું મૃત્યુ થશે.’ પાંડુએ બંને પત્ની સહિત અરણ્યવાસ કર્યો. પોતે નિ:સંતાન હોઈ પિતૃઋણથી મુક્ત થવા કુંતીને પુત્રોત્પાદન કરવા આગ્રહ કર્યો. કુંતીએ દુર્વાસાના મંત્ર-પ્રભાવથી યમધર્મ, વાયુ અને ઇન્દ્રનું આવાહન કરીને અનુક્રમે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન પ્રાપ્ત કર્યા. તે પછી સપત્ની માદ્રીને મંત્ર આપ્યો. તેના પ્રભાવે માદ્રીને નકુળ અને સહદેવ એ બે જોડકા પુત્ર અવતર્યા. એ પાંચે પાંડવ કહેવાયા.
પાંડવોનું કાસળ કાઢવા દુર્યોધને કુંતી સહિત પાંડવોને વારણાવત મોકલ્યા. ત્યાં લાક્ષાગૃહમાંથી સૌ બચી ગયાં અને દ્રૌપદીસ્વયંવરમાં ગયા. ત્યાં અર્જુને દ્રૌપદીને પ્રાપ્ત કરી, પણ માતાનું વચન માની પાંચે ભાઈ દ્રૌપદીને વર્યા.
શ્રીકૃષ્ણ વિષ્ટિ કરવા હસ્તિનાપુર ગયા, ત્યારે કુંતીએ તેમની આગળ હૃદય ખાલી કરીને પાંડવોને શૌર્ય-ઉત્સાહપ્રેરક સંદેશો પાઠવ્યો. શ્રીકૃષ્ણનું દૂતકાર્ય નિષ્ફળ જતાં કુંતી કર્ણ પાસે ગયાં. તેનો જન્મવૃત્તાંત કહી દુર્યોધનનો પક્ષ છોડવા સમજાવ્યો. કર્ણે ના પાડી, પરંતુ અર્જુન સિવાયના ચાર પાંડવોને નહિ હણવાનું વચન આપ્યું.
મહાભારત યુદ્ધ પછી કુંતીએ યુધિષ્ઠિરને કર્ણજન્મનો વૃત્તાંત કહ્યો. યુધિષ્ઠિરે કર્ણની ઉત્તરક્રિયા કરી.
મહાયુદ્ધ પછી પંદર વર્ષે ધૃતરાષ્ટ્ર-ગાંધારીએ વનગમન કર્યું. તેમની સેવા કરવા કુંતીએ પણ સહપ્રયાણ કર્યું. ધર્મરાજ અને પાંડવોએ વનમાં ન જવા બહુ સમજાવ્યાં, કરગર્યાં. કુંતીએ પોતે કૃતાર્થ હોઈ વડીલોની સેવા અને તપસ્યા કરવી છે ઇત્યાદિ કહીને પ્રેમથી પરિપૂર્ણ આશીર્વાદ આપ્યો: ‘તારી બુદ્ધિ ધર્મમાં સ્થિર રહેજો અને મન તારું મહાન થજો. (धर्मे ते धीयतां बुद्धिर्मनस्ते महदस्तु च ।)’ અને પછી વનમાં ગયાં. અરણ્યમાં દાવાનળ લાગ્યો. કુંતી અને ધૃતરાષ્ટ્ર-ગાંધારી તેમાં પંચત્વ પામ્યાં.
માતા કુંતી ઉદાર, પરોપકારી સ્વભાવનાં, ઓરમાન પુત્રો ઉપર વિશેષ વહાલ રાખનારાં, ભક્તહૃદયી વીર ક્ષત્રિયાણી હતાં.
ઉ. જ. સાંડેસરા