કુંચન નામ્બિયાર (જ. 1700, કિબ્લીકુરિસ્સીમંગલમ્, જિ. પાલઘાટ, મધ્યકેરળ; અ. 1770) : મલયાળમ ભાષાના પહેલા લોકકવિ. ‘તુળ્ળૂલ’ નામે જાણીતી ર્દશ્યશ્રાવ્ય કવિતાનો પ્રકાર સૌપ્રથમ તેમણે પ્રયોજ્યો. એ ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માના રાજકવિ હતા. તે પોતે ખાસ તૈયાર કરેલા મંચ પર સાભિનય કાવ્યગાન કરતા. તેમણે ‘વેલ્કલી’, ‘પટચાની’ જેવાં લોકકલાસ્વરૂપો પ્રત્યક્ષ નિહાળ્યાં. ચાકયાહની કલાઓમાં ભાગ લીધો અને ‘કથકલી’, ‘ક્રિશ્નાટ્ટમ’ જેવી અન્ય શાસ્ત્રીય કલાનું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું. પછી તેમણે મંચન કરી શકાય તેવા ‘કલ્યાણ સૌગંધીકમ શિતંકર તુળ્ળૂલ’ની કલાની રચના કરી. એમની મુખ્ય કૃતિઓ છે : ‘પારાયન’, ‘ઓટ્ટન’ અને ‘શિતંકન’. એમાં ચાળીસ કરતાં વધારે નૃત્યપ્રસંગો નિરૂપેલા છે. એમાંનાં કાવ્યો પૌરાણિક કથાનકો પર આધારિત છે. એમનું ‘કુષ્ણચરિતમ્ મણિપ્રવાલમ્’ બાળભોગ્ય મહાકાવ્ય ગણાય છે.

એ હાસ્યકવિ પણ હતા. એમનો હાસ્યકટાક્ષ આપખુદ રાજાઓ, ભ્રષ્ટાચારી સરકારી અમલદારો, બડાશખોરો અને બીજાને નુકસાન કરનારા સ્વાર્થી લોકો તરફ તાકેલો હતો. એમનો આશય સમાજને સુધારવાનો હતો. ઈસ્ટ ઇંડિયા કંપનીના અંગ્રેજ અધિકારીઓ જોડે દોસ્તી કેળવવા મથતા દેશી રાજાઓની એમણે સારી પેઠે ઠેકડી ઉડાવી છે. સંસ્કૃત છંદમાં રચેલી ઉત્તમ કાવ્યકૃતિ ‘ભગવદદૂત પરિજાલ્ વૃત્તમ્’માં શ્રીકૃષ્ણે દુર્યોધનને મોકલેલ સંદેશાની વાર્તા વણી લીધી છે.

અક્કવુર નારાયણન્