કીશમ, પ્રિયકુમાર (જ. 1949, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરના જાણીતા વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘નોઙ્દિ તારકખિદરે’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
તેમણે ઇજનેરીમાં ડિપ્લોમા મેળવ્યા બાદ જુનિયર ઇજનેર તરીકે કાર્યનો પ્રારંભ કર્યો અને હાલ મદદનીશ ઇજનેર તરીકે કાર્ય કરે છે.
તેઓ મણિપુરી સાહિત્યિક સામયિકો ‘સાહિત્ય’, ‘વખાલ’ના સંપાદક ‘સાહિત્યગી પાઓ’ના સંયુક્ત સંપાદક તરીકે કામગીરી સંભાળે છે.
તેમના 3 વાર્તાસંગ્રહો છે : ‘અવઓબા પુંશી’ (1971); ‘ઈખોઇ યુમલોન્નબા’ (1990) અને ‘નોઙ્દિ તારકખિદરે’ (1995). તેમને ડૉ. ખોઇરોમ તોમચાઉ સ્મૃતિ સુવર્ણચંદ્રક (1997), તેલેમ અબિર સ્મૃતિ પુરસ્કાર (1997) અને દિનેશ્વરી સાહિત્યિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘નોઙ્દિ તારકખિદરે’માં 18 વાર્તાઓ છે. તેમાં ગરીબો, ગ્રામવાસીઓ, ખેડૂતો, નાના નાના વેપારીઓ, પટાવાળા, અધિકારીઓ, પદદલિતો, વિદ્રોહીઓ અને જાતીય હિંસાથી પીડિત લોકોના જીવનનું આબેહૂબ ચિત્રણ છે. સમકાલીન સામાજિક વાસ્તવિકતાની કુશળતાપૂર્વક ગૂંથણી, વિશિષ્ટ વર્ણનશૈલીને કારણે તેમની આ કૃતિ મહત્વના પ્રદાનરૂપ ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા