કીટ, જ્યૉર્જ (જ. 17 એપ્રિલ 1901, કેન્ડી, શ્રીલંકા; અ. 31 જુલાઈ 1993, કોલમ્બો, શ્રીલંકા) : આધુનિક શ્રીલંકન ચિત્રકાર. બ્રિટિશ પિતા અને સિંહાલી માતાના સંતાન જ્યૉર્જનું બાળપણ બ્રિટનમાં વીત્યું. તરુણાવસ્થામાં તેઓ ભારત આવ્યા અને તેમને પ્રણાલીગત ભારતીય કલાના પ્રખર પુરસ્કર્તા આનંદ કુમારસ્વામીનો પરિચય થયો. પરિણામે ભારતીય વિષયોનું આલેખન કરવું તેમણે શરૂ કર્યું;

જ્યૉર્જ કીટે દોરેલું ચિત્ર

પરંતુ ચિત્રશૈલી તેમણે આધુનિક યુરોપની ઘનવાદી (cubist) અપનાવી. ઘનવાદી શૈલીમાં તેમણે સંસ્કૃત સાહિત્યનાં અને ભારતીય પુરાકથાઓનાં ચિત્રો ચીતર્યાં. અજન્તા તથા સીગીરિયાનાં ભીંતચિત્રોની શૈલીનો પણ તેમાં સંયોગ કર્યો. 1946થી 1949 સુધી તેમણે મુંબઈમાં વસવાટ કરેલો.

અમિતાભ મડિયા