કિસ્મત (1942) : બૉમ્બે ટૉકિઝનું હિન્દી ચલચિત્ર (1942). આ ચિત્રે કોલકાતાના એક થિયેટરમાં સળંગ ત્રણ વરસ અને આઠ માસ લગી રજૂ થઈને વિક્રમ સર્જ્યો. જ્ઞાન મુખર્જી દ્વારા નિર્દેશન. શેખર નામના એક ધૂર્ત યુવાન અને રાણી નામની પગે ખોડવાળી મુગ્ધાના આકસ્મિક મિલન પછી આરંભાતી કથા નાટકીય ઘટનાચક્ર ઉપર આધારિત હતી. બંને વચ્ચે જાગેલા પ્રણયભાવના પરિણામે શેખરનું ક્રમશ: હૃદયપરિવર્તન થાય છે. અંતે એ છેલ્લી વાર ખલનાયક ઇંદ્રજિતની તિજોરીમાંથી નાણાંની ઉઠાંતરી કરીને રાણીની સારવાર માટે જોગવાઈ કરે છે. પછી બેપતા થઈ જાય છે. આવા રંજક છતાં કરુણ અંત સાથે ચલચિત્ર પૂરું થાય છે. આ ચલચિત્રમાં હિંદી રજતપટ પર પ્રથમ જ વાર સામાજિક ચિત્રમાં નાયકને અસામાજિક પ્રવૃત્તિ કરતો દર્શાવ્યો છે. નાયક-નાયિકાનાં પાત્રો એ વખતના નવોદિત કલાકારો અશોકકુમાર (મૂળ નામ કુમુદલાલ ગાંગુલી) અને મુમતાઝ શાંતિએ ભજવેલાં. અન્ય કલાકારોમાં શાહનવાઝ, મોતી, પી. એફ. પીઠાવાલા, વી. એચ. દેસાઈ, મુબારક, ડૅવિડ, કનુ રૉય વગેરે હતાં. સંગીત અનિલ વિશ્વાસનું અને ગીતો કવિ પ્રદીપનાં હતાં. તેનાં છ ગીતો અતિશય લોકપ્રિય થયાં હતાં, જેનાં મુખડાં આ પ્રમાણે હતાં : ‘આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હૈ’, ‘અબ તેરે સિવા કૌન મેરા ક્રિષ્ણકનૈયા’, ‘ધીરે ધીરે આ રે બાદલ’ (દ્વંદ્વગીત), ‘પપીહા રે મેરે પિયાસે કહીયો જાય’, ‘અય દુનિયા બતા હમને બિગાડા હૈ ક્યા તેરા’, ‘માસ્ટર્સ વૉઇસ કંપની’ની ગ્રામોફોન રેકૉર્ડ ઉપર અમીરબાઈ કર્ણાટકી, અરુણકુમાર તથા પારુલ ઘોષે (અનિલ વિશ્વાસનાં બહેન અને બંસરીવાદક પન્નાલાલ ઘોષનાં પત્ની) ગાયાં હતાં, જ્યારે ફિલ્મમાં એ ઉપરાંત કવિ પ્રદીપનો પણ સ્વર હતો. ‘આજ હિમાલય કી ચોટી સે’ ગીત સામે બ્રિટિશ સરકારના સેન્સર બોર્ડે વાંધો લેતાં નિર્માતાઓએ સિફતપૂર્વક મૂળ કથામાં ફેરફાર કરી આ ગીત રંગમંચના એક ર્દશ્યમાં કલાકારોને મોંએ સમૂહમાં ગવાતું દર્શાવી કાનૂની રીતે વાંધાનું નિવારણ કર્યું હતું.
રજનીકુમાર પંડ્યા