કિશનચંદ ગોગુમલ હિરસિંઘાની (જ. 14 એપ્રિલ 1925, કરાંચી; અ. 16 એપ્રિલ 1997, વડોદરા) : ભારતીય ક્રિકેટના ટેસ્ટખેલાડી. રક્ષણાત્મક અને સાહસપૂર્ણ બંને પ્રકારની બૅટિંગમાં માહેર અને જમણેરી લેગબ્રેક ગોલંદાજ. 1940માં સિંધ ઇન્ટરસ્કૂલ સ્પર્ધામાં સતત ત્રણ સદી કરીને પચરંગી સ્પર્ધામાં હિંદુ ટીમમાં સ્થાન મેળવ્યું. એ વર્ષે ‘સ્કૂલબૉય ક્રિકેટર ઑવ્ ધી ઇયર’ જાહેર થયા. 1940-41માં રણજી ટ્રૉફી સ્પર્ધામાં સિંધ તરફથી પશ્ચિમ ભારતની ટીમ સામે પ્રવેશ કર્યો. 1945-46માં સિંધ ટીમના સુકાની બન્યા અને રણજી ટ્રૉફી સ્પર્ધામાં સિંધ, પશ્ચિમ ભારત, ગુજરાત અને વડોદરા એમ ચાર જુદી જુદી ટીમો તરફથી કુલ 27 વર્ષ સુધી રમીને 54.30ની સરેરાશથી સાતત્યપૂર્ણ બૅટિંગ કરી હતી. મુંબઈમાં ખેલાતી પચરંગી સ્પર્ધામાં 101 રનની સરેરાશથી ત્રણ સદી કરી. બિનસત્તાવાર ટેસ્ટમાં 28 રનની સરેરાશ સાથે કુલ 223 રન કર્યા. ભારતીય ટેસ્ટ ટીમ તરફથી 1945માં શ્રીલંકા અને 1947-48માં ઑસ્ટ્રેલિયામાં પ્રવાસમાં સામેલ થયેલ. 1950માં ‘ઇન્ડિયન ક્રિકેટ ઍન્યુઅલ’માં વર્ષનાં પાંચ ઉત્કૃષ્ટ ક્રિકેટરોમાં સ્થાન પામ્યા હતા.
કુમારપાળ દેસાઈ