કિલ્લેબંધી : યુદ્ધ દરમિયાન પોતાની સંરક્ષણ હરોળ મજબૂત અને અભેદ્ય કરવાના હેતુથી લેવાતાં લશ્કરી પગલાં. તેમાં સંરક્ષણ-થાણાં (works) ઊભાં કરવાં, કૃત્રિમ અવરોધો ઊભા કરવા અને શત્રુ પક્ષ આક્રમણનો લાગ ન લઈ શકે તે રીતે આસપાસના વિસ્તારોમાં પ્રાકૃતિક અવરોધોનો લાભ લેવો વગેરેનો સમાવેશ થાય છે.
યુદ્ધક્ષેત્રમાં લાંબા અંતર સુધી તીક્ષ્ણ અને ભેદક મારો કરી શકે તેવી તોપો રણક્ષેત્રમાં દાખલ થતાં, એક જમાનામાં અભેદ્ય ગણાતા મધ્યયુગીન દુર્ગો, કિલ્લાઓ અને અંત:કોટો સંરક્ષણની ર્દષ્ટિએ અપ્રસ્તુત બની ચૂક્યા છે, તેવી જ રીતે આધુનિક જમાનામાં વિમાનો, હેલિકૉપ્ટરો, વિશાળ તોપો અને બખ્તરિયા ગાડીઓ જેવાં આક્રમણ કરવાનાં સાધનો રણનીતિમાં દાખલ થયાં ત્યારથી શત્રુપક્ષની આગેકૂચ થંભાવવાના ઇરાદાથી ભૂતકાળમાં ઊભી કરવામાં આવેલી ચીનની ઐતિહાસિક દીવાલ કે જર્મનીની સંરક્ષણ-દીવાલ-વ્યવસ્થા નકામી સાબિત થઈ. મધ્યયુગીન સરદારો અને ઉમરાવો દ્વારા અંગત સંરક્ષણ માટે પહેરવામાં આવતાં બખતર તથા સ્વબચાવનાં તે પ્રકારનાં અન્ય સાધનો રણક્ષેત્રમાં ઝડપી આવજા કરવામાં અવરોધક સાબિત થયાં અને આધુનિક જમાનામાં યુદ્ધમાં વપરાતા, તોપગોળા સામે પણ તે બિનઉપયોગી નીવડ્યાં હતાં.
રણક્ષેત્રમાં ગોઠવાતી કિલ્લેબંધી અને સાથોસાથ ઊભા કરવામાં આવતા અવરોધોનો પ્રાથમિક ઉદ્દેશ શત્રુ દ્વારા હથિયારો, તોપો અને વિમાનોની મદદથી થતાં આક્રમણ સામે પોતાના સૈનિકો તથા શસ્ત્રસરંજામનું રક્ષણ કરવાનો, શત્રુના હુમલાની ગતિને અવરોધવાનો તથા શત્રુ પર ઉપલબ્ધ શસ્ત્રો દ્વારા ઉગ્ર અસરકારક અને સતત મારો ચલાવીને તેને નષ્ટ કરવાનો હોય છે.
કિલ્લેબંધી અસરકારક બની શકે તે માટે કેટલીક બાબતો જરૂરી જણાય છે : (1) શત્રુપક્ષ દ્વારા જમીન તથા હવાઈ માર્ગે થતા નિરીક્ષણથી રણક્ષેત્રની સંરક્ષણવ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ગુપ્ત રાખવા માટે તેનું છદ્માવરણ (camouflage) કરવું, (2) આક્રમણ કરનાર શત્રુ પક્ષની સૈનિક ટુકડીઓ પર મારો ચલાવી શકે તે રીતે, કિલ્લેબંધીના વિસ્તારમાં પોતાનાં આયુધો ગોઠવવાં, (3) સંરક્ષણ માટે ઊભા કરવામાં આવેલા અવરોધો શત્રુના હુમલાનું લક્ષ્ય ન બને તે રીતે ક્ષેત્રસંયોજન કરવું, (4) અવરોધો ટકી રહે તે રીતે જમીનમાં ઊંડે સુધી તેમનો પાયો નાખવો, (5) શત્રુનું પૂર્વનિરીક્ષણ તથા જાસૂસી અટકાવી શકાય તે માટે અવરોધોની પેલે પાર સૈનિક ટુકડીઓ ગોઠવવી. (6) સંરક્ષણ-વ્યવસ્થાની પૂરતી રક્ષા કરવા માટે, શત્રુને ભીંસમાં લેવા સારુ, તે ગેરમાર્ગે દોરાય તે માટે તથા જ્યાંથી તેના પર આકસ્મિક અને અસરકારક હુમલો કરી શકાય તેવા રણક્ષેત્રમાં તેને ફસાવવા કે લલચાવવા માટે ઉપયોગી અને અસરકારક થાય તેવા અવરોધો સાથેની કિલ્લેબંધી ઊભી કરવી.
કિલ્લેબંધી મુખ્યત્વે બે પ્રકારની હોય છે : (1) શત્રુનો પ્રત્યક્ષ સામનો અનિવાર્ય બનતાં તાત્કાલિક અને ઝડપથી ઊભી કરવામાં આવેલી સંરક્ષણવ્યવસ્થા, (2) શત્રુનો પ્રત્યક્ષ સામનો તાત્કાલિક થવાની શક્યતા ન હોય, ત્યારે સુનિશ્ર્ચિત આયોજન મુજબ ઊભી કરવામાં આવતી કિલ્લેબંધી. તેમાંથી બીજા પ્રકારની સંરક્ષણ-વ્યવસ્થામાં શત્રુ પર બંદૂકમારો કે તોપમારો કરી શકાય તેવી, પૂરતા આશ્રય સાથેની ખાઈઓ ખોદવી તથા શસ્ત્રો માટેના ખાડા (weapon pits) તૈયાર કરવા, તોપો ગોઠવવાનાં સ્થળો નક્કી કરવાં, બખતર ગાડીઓ માટેનાં ગુપ્ત સ્થાનો નક્કી કરવાં, વિમાનવિરોધી સંરક્ષણ-ગોઠવણો ઊભી કરવી, સંદેશાવ્યવહાર માટેની ખાઈઓ બનાવવી, રણક્ષેત્રમાંથી જખમી સૈનિકોનું સ્થળાંતર કરવા માટેની જોગવાઈ કરવી તથા શસ્ત્રસરંજામ અને અન્ય જરૂરી સાધનોના સમયસર પુરવઠાની ગોઠવણો કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થા સામાન્ય રીતે ભૂગર્ભમાં કરવામાં આવે છે. રણપ્રદેશ જેવા વિસ્તારો કે જ્યાં ખોદકામ શક્ય ન હોય ત્યાં જમીનને સમતલ એવા ભાગ પર પથ્થરનાં આશ્રયસ્થાનો (shelters) ઊભાં કરવામાં આવે છે. શત્રુની તોપો, બખતરગાડીઓ અને વિમાનોના મારાનો સામનો થઈ શકે તે રીતે સંરક્ષણવ્યવસ્થા ગોઠવાતી હોય છે. છતાં શત્રુ દ્વારા જમીન તથા હવાઈ માર્ગથી થતાં નિરીક્ષણથી તેને મુક્ત અને ગુપ્ત રાખવા માટે વિશેષ કાળજીભરી યુક્તિનો ઉપયોગ જરૂરી બને છે.
શત્રુના હવાઈ હુમલા, જમીન પરની તેની તોપો તથા તેનાં લઘુશસ્ત્રોના મારાથી પોતાના સૈનિકો અને શસ્ત્રસરંજામને ત્વરિત રક્ષણ પૂરું પાડવા માટે સંરક્ષણવ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવી પડે છે ત્યારે જમીનમાં લાંબા ચીરા કે ફાટ(slit)રૂપ ખાઈઓ ખોદવામાં આવે છે. શત્રુનો પ્રત્યક્ષ સંપર્ક ન થાય અને સમય મળે ત્યારે તે જ ખાઈઓને ઊંડે સુધી ખોદીને પાકી, વધુ મજબૂત અને વધુ રક્ષણ આપી શકે તેવી બનાવવામાં આવે છે. કયા સંજોગોમાં કેવી સંરક્ષણવ્યવસ્થા અને કિલ્લેબંધી ઊભી કરવી તે અંગેના નિર્ણયો તથા તેનો અગત્યાનુક્રમ લશ્કરના બધા જ સ્તરના અફસરો નક્કી કરતા હોય છે.
શત્રુની આગેકૂચ અટકાવવા માટે તથા તેને નાકામિયાબ કરવા માટે કાંટાના તારના અવરોધો ઊભા કરવામાં આવે છે, શત્રુના વિસ્તારમાં સુરંગ બિછાવવામાં આવે છે, અણીદાર વાંસ અથવા બે ફૂટ લાંબી અણીદાર લાકડીઓ અથવા ઝાડના અણીદાર થડ જમીનમાં રોપવામાં આવે છે, માથા પર અચાનક પડે તેવી વજનદાર ચીજો યોગ્ય સ્થળે ગોઠવવામાં આવે છે, જમીનમાં ખાડા ખોદી તે ઢાંકી રાખવામાં આવે છે, માટીના બંધ ઊભા કરી તે યથાસમયે તૂટી પડે અને શત્રુના વિસ્તારમાં પાણી ફેલાય તેવી કરામત કરવામાં આવે છે. કૃત્રિમ અવરોધોની સાથોસાથ નદીઓ, જળાશયો, નહેરો, કાદવવાળી જમીન, ટેકરીઓ જેવા નૈસર્ગિક અવરોધોનો પણ યુદ્ધ દરમિયાન યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. સુરંગ બિછાવેલી હોવાથી શત્રુના સૈનિકોની આગેકૂચ વિલંબમાં પડે ત્યારે ખાઈઓમાંના સૈનિકો પાસેના ખાડાઓમાં ગોઠવેલાં, તથા જબ્બર મારો કરી શકે તેવાં પોતાનાં શસ્ત્રોનો ઉપયોગ કરીને શત્રુને વધુ ને વધુ હેરાન-પરેશાન કરી મૂકે છે. આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુઓ તરફ પંજાબના મેદાની વિસ્તારોમાં ભારત અને પાકિસ્તાન બંનેએ આવી સંરક્ષણવ્યવસ્થા ગોઠવી છે.
પૂરણચંદ્ર ચતુર્વેદી
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે