કિલિમાન્જારો : ટાન્ઝાનિયામાં આવેલો આફ્રિકાનો સૌથી ઊંચો હિમ-આચ્છાદિત પર્વત. ભૌગોલિક સ્થાન : 3o 04′ દ. અ. અને 37o 22′ પૂ. રે.. તેનો અર્થ ચન્દ્રનો પર્વત એવો થાય છે. તેની તળેટીનો વિસ્તાર 160 કિમી. છે. આફ્રિકાની મહાફાટખીણથી તે દક્ષિણ તરફ 160 કિમી. અંતરે આવેલો છે. તેનાં ત્રણ શિખરો પૈકી સર્વોચ્ચ શિખર કીબો 5,903 મી. ઊંચું છે. ઉપરાંત મવેન્ઝી અને શિરાનાં શિખરો અનુક્રમે 5,354 મી. અને 3,755 મી. ઊંચાં છે. કેટલાક શિરાને અગાઉના જ્વાળામુખીના મુખનો અવશેષ હોવાનું માને છે. કીબોનું જ્વાળામુખ આશરે 180 મીટર ઊંડું છે. કીબો મૃત જ્વાળામુખી હોવાનું મનાતું હતું પણ તે સક્રિય હોવાનાં ચિહ્નો મળે છે. તેનું શિખર 60 મીટર જાડાઈવાળા બરફથી ઢંકાયેલું રહે છે અને તેની પશ્ચિમ બાજુએ હિમ નદી આવેલી છે. તળેટીથી શિખર સુધીના ભાગમાં વિવિધ પ્રકારની આબોહવા અને વનસ્પતિ જોવા મળે છે. 3,700 મી.ની ઊંચાઈએ ટૂંકા ઘાસનાં મેદાનો; 3,050થી 1,830 મી. સુધી સખત ઇમારતી લાકડું આપતાં જંગલો, નીચેના ઢોળાવો ઉપર કૉફી અને સીસલના બગીચા આવેલા છે. દક્ષિણ તરફના ઢોળાવો ઉપર ચાગ્ગા જાતિનો ગીચ વસવાટ છે. તેઓ પશુપાલનની સાથે કોફી, કેળા વગેરે પાકોની ખેતી કરે છે.
જર્મન મિશનરી જોહાનીસ રેબમેન તથા જૉન ક્રાફે 1848-49માં તેની શોધ કરી હતી પણ હાન્સ મેયર અને એલ પુટર્ઝશેલર 1889માં શિખર ઉપર પહોંચનાર પ્રથમ પર્વતારોહકો હતા. અર્નેસ્ટ હેમિંગ્વેએ ‘The Snows of Kilimanjaro’ નામની લઘુવાર્તા લખેલી છે.
કિલિમાન્જારો (3o 45′ દ. અ. અને 37o 45′ પૂ. રે.) 1963થી ટાન્ઝાનિયાના ઈશાન વિસ્તારનું વહીવટી મથક છે. તેનું ક્ષેત્રફળ 13,200 ચોકિમી. છે. તેની ઉત્તરે અને પૂર્વે કેન્યાનો પ્રદેશ આવેલો છે. પરે પર્વતમાળા કિલિમાન્જારોથી અગ્નિખૂણે આવેલી છે. કિલિમાન્જારોમાંથી નીકળતાં ઝરણાં ઉત્તર તરફ અમ્બોસેલી સરોવર અને સાવો નદીને મળે છે. કિલિમાન્જારોના ખેતીવાળા વિસ્તારમાં 1,178 મિમી. વરસાદ પડે છે જ્યારે પરે ગિરિમાળા અને ઈશાની મેદાનો સૂકાં છે. ઊંચા ઘાસનાં મેદાનો, ઉષ્ણ કટિબંધનાં પર્વતીય જંગલો અને આફ્રો-આલ્પાઇન વનસ્પતિના પટ્ટા અહીં છે. આ પ્રદેશ કૉફી, જવ, ઘઉં, શેરડી, ખાંડ, સીસલ, મકાઈ, મગફળી, કેળાં, કપાસ, પાઇરેથ્રમ અને બટાકાનો અગ્રણી ઉત્પાદક છે. મોશી કૉફીઉદ્યોગનું કેન્દ્ર છે. અહીં ખેતી ઉપરાંત ઢોરઉછેરનો તથા ઇમારતી લાકડાં કાપવાના અને વહેરવાના ઉદ્યોગો અગત્યના છે. અબરખ અને મૅગ્નેસાઇટની ખાણો પણ આવેલી છે. વસ્તી 18,61,934 (2022) છે.
શિવપ્રસાદ રાજગોર