કિલાભાઈ ઘનશ્યામ (જ. 1869, ભુવાલડી, તા. દસક્રોઇ; અ. ઑગસ્ટ 1914, અમદાવાદ) : સંસ્કૃત સાહિત્યગ્રંથોના સફળ પદ્યાનુવાદક. પિતા ઘનશ્યામ રાજારામ અને માતા મહાકોર. જ્ઞાતિએ રાયકવાળ બ્રાહ્મણ અને અવટંકે ભટ્ટ. મૂળ વતન દસક્રોઈ તાલુકાનું ભુવાલડી ગામ. પ્રાથમિક કેળવણી વતનમાં અને માધ્યમિક અમદાવાદમાં. અભ્યાસ મૅટ્રિક સુધીનો. શોખને લીધે સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ વધુ કરેલો. નોકરી પોલીસ કોર્ટ, મુંબઈમાં ઇન્ટરપ્રીટર તરીકેની.
સાહિત્ય પ્રત્યે પ્રીતિ અને સંસ્કૃત સાહિત્યના વિશાળ પરિશીલનના પરિપાકરૂપે સંસ્કૃત સાહિત્યગ્રંથોના પદ્યાનુવાદ આપ્યા. ‘પાર્વતી- પરિણય’, ‘વિક્રમોર્વશી’ (1906) અને ‘મેઘદૂત’ (1913) એ ત્રણ પ્રસિદ્ધ અનુવાદોમાં ‘મેઘદૂત’ સૌથી વધારે પ્રચાર પામેલો. ગુજરાતી સાહિત્યના બે સુપ્રસિદ્ધ અનુવાદકો – કેશવલાલ ધ્રુવ અને કિલાભાઈ ઘનશ્યામ પ્રાસાદિકતા અને મૂલાનુસારી સૌંદર્ય નિપજાવવામાં સફળ થયેલા. કવિતા તરીકે ગણના થઈ શકે તેટલાં સૂઝ અને રચનાકૌશલ અનુવાદોમાં પ્રગટ્યાં છે.
કિલાભાઈ સામયિકોમાં પણ છૂટક કાવ્યો લખતા.
રમણિકભાઈ જાની