કિરાલિટી (chirality) : રાસાયણિક સંયોજનોનો ધ્રુવીભૂત પ્રકાશના તળને ડાબી અને જમણી બાજુએ ઘુમાવવાનો [(વામાવર્તી, left-handed/laevorotatory) અને (right-handed/dextroro-tatory)] સંરચનાકીય ગુણધર્મ. આવાં સંયોજનો અસમમિત પરમાણુ (મુખ્યત્વે કાર્બનનો) ધરાવતાં હોઈ પ્રકાશક્રિયાશીલતા દર્શાવે છે. અવકાશવિન્યાસ રસાયણ(stereochemistry)માં કિરાલિટી અગત્યનો ગુણ ગણાય છે. જે અણુઓ કિરાલ હોય તેઓ એકબીજાના પ્રતિબિંબરૂપ હોય છે અને એક સંરચનાનું તેના પ્રતિબિંબ ઉપર અધ્યારોપણ થઈ શકતું નથી. આવાં સંયોજનોને પ્રકાશીય સમાવયવો (optical isomers) અથવા પ્રતિબિંબીઓ (enantiomers) કહે છે. દા.ત., ટાર્ટરિક ઍસિડ પ્રકાશક્રિયાશીલ એવા બે સ્વતંત્ર (d અને l) સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે :
જો બન્નેનું સપ્રમાણ મિશ્રણ હોય તો તેને રેસેમિક (dl) મિશ્રણ કહે છે જે પ્રકાશક્રિયાશીલ હોતું નથી, કારણ કે બંને સ્વરૂપો પ્રકાશતળને એકબીજાથી વિરુદ્ધ દિશામાં સરખા પ્રમાણમાં ઘુમાવતા હોવાથી સરવાળે પ્રકાશનું તળ ફરતું જણાતું નથી.
પ્રતિબિંબીઓ માટે કિરાલિટી એ આવશ્યક તથા પૂરતી (sufficient) સ્થિતિ છે તથા તેને ઘૂર્ણન-પરાવર્તન સમમિતિ (rotation-reflection symmetry) (Sn ધરા)ની ગેરહાજરી દ્વારા નક્કી કરી શકાય. જે સંયોજનો બિંદુ-સમૂહો (point groups) C1 Cn તથા Dn ધરાવતા હોય તેમનામાં પરાવર્તન (reflection) સમમિતિ ગેરહાજર હોય છે અને તેઓ કિરાલ હોય છે જ્યારે બાકીના બિંદુ-સમૂહો ધરાવતાં સંયોજનો બિનકિરાલ હોય છે.
ચતુષ્ફલકીય (tetrahedral), અષ્ટફલકીય (octahedral) તથા વિંશફલકી (icosahedral) સમમિતિ ધરાવતા હોય પરંતુ સમમિતિ તળ (plane of symmetry) તથા વ્યુત્ક્રમણ-કેન્દ્ર (inversion centre) (બિંદુસમૂહ T, O તથા I) ન ધરાવતા હોય તે બધા જ અણુઓ કિરાલ હોય છે.
સામાન્ય સ્થિતિમાં અસમમિત કાર્બન (કે અન્ય) પરમાણુ ધરાવતાં સંયોજનોનું રસાયણ કિરાલ પરમાણુવાળાં સંયોજનોનું રસાયણ ગણાવી શકાય.
કિરાલ-કેન્દ્ર ધરાવતા કેટલાક અણુઓ નીચે દર્શાવ્યા છે :
ટેટ્રાકોઑર્ડિનેટ કિરાલ કેન્દ્ર ધરાવતા અણુઓ :
કિરાલિટીની જૈવિક અગત્ય :
માનવીનું શરીર બંધારણીય દૃષ્ટિએ કિરાલ છે. પ્રાણી અથવા વનસ્પતિ દ્વારા બનાવાતા પદાર્થો કિરાલિટી દર્શાવે છે અને તેઓ d અથવા l એક પ્રકાર દર્શાવે છે. પ્રોટીનમાં કુદરતી 20 એમિનો ઍસિડ એક અપવાદ સિવાય l–સ્વરૂપે હોય છે. ઘણાં ઔષધો (drugs) પણ d અથવા l–સ્વરૂપમાં ક્રિયાશીલ હોય છે. જૈવરસાયણમાં કિરાલિટી ખૂબ અગત્યની ઘટના છે.
જ. પો. ત્રિવેદી