કિરણકુમાર : ગુજરાતી ચલચિત્રોના બિનગુજરાતી અભિનેતા. હિંદી ચલચિત્રજગતના જાણીતા અભિનેતા જીવનના પુત્ર. જન્મે અને પરિવારથી કાશ્મીરી બ્રાહ્મણ હોઈ આ બંને પિતાપુત્રને લાક્ષણિક ગૌર વર્ણ અને નમણા ચહેરાની કુદરતી બક્ષિસ વારસાગત રીતે મળેલ છે.

કિરણકુમાર

કિરણકુમારે અભિનયની તાલીમ ભારત સરકારની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા, પુણે ખાતે મેળવી હતી (1967-69). કારકિર્દીની પ્રથમ ફિલ્મ ‘સવેરા’, એમાં નાયકના મિત્રની સહાયક ભૂમિકા ભજવી વિવેચકોની પ્રશંસા પ્રાપ્ત કરી હતી (1970). 1973માં ‘મિ. રોમિયો’ નામની હિંદી ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી. આ ચિત્ર પણ નિષ્ફળ જતાં તે હિંદી ચિત્રોમાં નાની ભૂમિકા કરતા રહ્યા.

પરંતુ ગુજરાત સરકારનો મનોરંજન કરમુક્તિની નીતિથી વિશેષરૂપે સક્રિય બનેલા ગુજરાતી ચલચિત્રઉદ્યોગ પ્રતિ તે આકર્ષાયા. 1977થી 1984ના સાત વર્ષના ગાળામાં ગુજરાતી ચિત્રોમાં મુખ્યત્વે નાયકની ભૂમિકા અદા કરી તેમણે કુલ 68 ગુજરાતી ચિત્રોમાં અભિનય કર્યો. તેમના પ્રારંભના ગાળાની મહત્વની ગુજરાતી સિનેકૃતિ તે ‘આનંદમંગલ’. અહીં તેઓ આનંદ તેમજ મંગલ નામની બે વ્યક્તિઓની બેવડી ભૂમિકામાં દુર્જન અને સજ્જન તરીકેનો અભિનય આપી, ખલનાયક અને નાયક તેમ બંને પ્રકારના પાત્રને યોગ્ય ન્યાય આપવાની કુશળતાનો પરિચય કરાવ્યો. તેમની આ યાદગાર ગુજરાતી કૃતિ રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયમાં સંગૃહીત છે.

પ્રારંભનાં વર્ષોમાં ગુજરાતી અભિનેત્રી અને નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ જોડે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં તેમની જોડી સારી જામી હતી. આ સમયની ઉલ્લેખનીય ફિલ્મો તે ‘હરસિદ્ધ માતા’, ‘શરદ પૂનમની રાત’ વગેરે ગણાવી શકાય. 1982ની તેમની ફિલ્મ ‘ગરવી નાર ગુજરાતની’એ રજતજયંતી ઊજવી. 1983માં રજૂઆત પામેલી 29 ગુજરાતી ફિલ્મોમાંથી 6 ફિલ્મોમાં તેમની મુખ્ય ભૂમિકા હતી : ‘જમના બની જગદમ્બા’, ‘રસ્તાનો રાજા’, ‘રાખનાં રમકડાં’, ‘લોહીનું તિલક’, ‘વેરની આગ’ અને ‘દોઢ ડાહ્યા’. અને 1983 પછીના ગાળાની કેટલીક ફિલ્મોમાંની ‘રામ રાખે તેને કોણ ચાખે’ તથા ‘પરણ્યા એટલે પ્યારા લાડી’ વગેરે ગુજરાતી ચલચિત્રોની તત્કાલીન લગભગ બધી જ નાયિકા-અભિનેત્રીઓ સાથે તેમણે અભિનય આપ્યો હતો.

નિર્માતા રાકેશ રોશનની ‘ખુદગર્જ’(1988)માં ખલનાયકની મહત્વની ભૂમિકા ઉપરાંત ‘કુદરત કા કાનૂન’ અને ‘તેજાબ’ જેવી મહત્ત્વની  ફિલ્મોમાં પણ તેમને ભૂમિકાઓ મળી. પછી તેમને લગભગ 50 જેટલી હિંદી ફિલ્મોમાં ભૂમિકા મળી. તેમની લોકપ્રિયતા તથા વ્યાવસાયિક સફળતાને અનેકગણી વધારી દે તેવી તેમની ભૂમિકા સિનેકૃતિ ‘ખુદા ગવાહ’માં જોવા મળે છે.

ઉષાકાન્ત મહેતા