કિયોનાગા, તોરી (Kiyonaga, Torii) (જ. 1752, જાપાન; અ. 28 જૂન 1815, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ-ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. રંગમંચ માટે પડદા અને ‘બૅકડ્રૉપ્સ’ (પિછવાઈ) ચીતરવાની પરંપરા ધરાવતા એક પરિવારમાં તેનો જન્મ થયેલો. આહલાદક નિસર્ગની પશ્ચાદભૂમાં લાલિત્યપૂર્ણ અંગભંગિ ધરાવતી જાપાની મહિલાઓને ચિત્રિત કરવા માટે તે ખાસ જાણીતો છે. વૃક્ષો અને વસ્ત્રોમાં પવનને કારણે થતા ફરફરાટને આલેખવામાં તેને ખાસ્સી સફળતા મળી છે.
અમિતાભ મડિયા