કિન્શાસા : આફ્રિકા ખંડમાં કોંગો નદીના દક્ષિણ કાંઠા પર નદીના મુખથી લગભગ 515 કિલોમીટર દૂર આવેલું શહેર. તે ઝૈર પ્રજાસત્તાકના કિન્શાસા પ્રાન્તની રાજધાની તેમજ મોટામાં મોટું શહેર છે. તે 4o 18′ દક્ષિણ અક્ષાંશ અને 15o 18′ પૂર્વ રેખાંશ પર આવેલું છે. વિસ્તાર : 9965 ચોકિમી., વસ્તી 1.71 કરોડ (2021). આટલાન્ટિક કિનારે આવેલા માટાડી અને સોંગોલોલો સાથે રેલવેમાર્ગ, સડકમાર્ગ ઉપરાંત તેલની પાઇપલાઇન દ્વારા જોડાયેલું
આ શહેર વાણિજ્ય અને વ્યાપારી સંસ્થાઓનું મુખ્ય મથક છે. કિન્શાસા કોંગોનું ખૂબ જ વ્યસ્ત રહેતું હવાઈમથક ધરાવે છે. નિકાસી વસ્તુઓને એકત્ર કરતું અને આયાતી વસ્તુઓનું વિતરણ કરતું આ શહેર લાકડાં વહેરવાનાં કારખાનાંથી માંડીને કાપડ તથા ખનિજ તેલને લગતાં કારખાનાં, ઇજનેરી તથા રસાયણો, ખાદ્યપ્રક્રમણ, રાચરચીલું અને જહાજનો (સમારકામનો) વાડો ધરાવે છે. જોવાલાયક સ્થળોમાં વિવિધ સંગ્રહસ્થાનો, પ્રાણીબાગ, લલિતકલા અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ, પ્રાચીન દેવળ વગેરે છે. અહીં નૅશનલ યુનિવર્સિટી ઑવ્ ઝૈર આવેલી છે. 1881માં હેન્રી મોર્ટોન સ્ટેનલીએ પોતાના આશ્રયદાતા બેલ્જિયમના રાજા લિયોપૉલ્ડ બીજાનું ઋણ ચૂકવવા કિન્શાસા અને કિન્ટામ્બા ગામોને લિયોપૉલ્ડ વિલે નામ આપ્યું. 1960માં તે નવા પ્રજાસત્તાકની રાજધાની બન્યું. લિયોપૉલ્ડ વિલે અને માટાડીનો વિકાસ થતાં તે 1966માં પુન: કિન્શાસા તરીકે ઓળખાવા લાગ્યું.
વસંત ચંદુલાલ શેઠ